ગુજરાતમાં ચોમાસું પુરેપુરા જોશમાં ખીલ્યું છે. રાજ્યમાં ૨૪ કલાકમાં (તારીખ ૦૨ જુલાઈ ૨૦૨૬ સવારે ૦૬:૦૦ વાગ્યાથી ૦૩ જુલાઈ ૨૦૨૬ સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી) સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 172 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં રાત્રે માત્ર બે કલાકમાં ૨૨૫ મીમી એટલે કે ૮.૮૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેનાથી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આજે સવારે છ થી 10 વાગ્યા સુધીના માત્ર 4 જ કલાકમાં વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું છે. વલસાડમાં આ ચાર કલાકમાં જ ૬.89 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે. વલસાડમાં ગઈકાલે પણ ૧૦૧ મીમી (૩.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો હતો. આથી આજનો થઈ વલસાડમાં કુલ 11 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.
ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા અનુસાર, ૩ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધીના માત્ર ૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લાનું ચીખલી ૨૦૪ મીમી (૮.૦૩ ઈંચ) વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે. ચીખલીમાં સવારે ૮ થી ૧૦ ના બે કલાકમાં જ ૨૦૦ મીમી ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.
આ ઉપરાંત, વલસાડ તાલુકામાં ૧૭૫ મીમી (૬.૮૯ ઈંચ) અને નવસારીના ગણદેવીમાં ૧૬૯ મીમી (૬.૬૫ ઈંચ) વરસાદ ખાબક્યો છે. ડાંગ (૧૨૮ મીમી) અને તાપીના ડોલવણ (૧૧૧ મીમી)માં પણ ૪ ઈંચથી વધુ વરસાદથી નદી-નાળા છલકાયા છે. સુરત અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેનાથી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
વલસાડ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં આ બે કલાક દરમિયાન ૭૯ મીમી (૩.૧૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના ગણદેવીમાં ૫૫ મીમી (૨.૧૭ ઇંચ), વલસાડના પારડીમાં ૫૪ મીમી અને નાનાપોંઢામાં ૫૨ મીમી વરસાદ વરસ્યો છે. સુરતના મહુવામાં પણ ૫૦ મીમી (૧.૯૭ ઇંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય તાપીના ડોલવણ અને વલસાડના કપરાડામાં ૪૬-૪૬ મીમી વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.
મધ્ય ગુજરાતના વડોદરાના સિનોર અને મહેસાણાના વિજાપુરમાં ગઈકાલ સવારના છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યા સુધીમાં એટલે કે 24 કલાકમાં ૭૫-૭૫ મીમી (૨.૯૫ ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે પંચમહાલના ગોધરામાં ૦.૯૮ ઇંચ અને દાહોદના ગરબાડામાં ૬૮ મીમી વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી જિલ્લામાં પણ સારો વરસાદ ચાલુ રહ્યો છે. ઉમરગામમાં ૮૯ મીમી (૩.૫૦ ઇંચ) અને પારડીમાં ૮૬ મીમી વરસાદ નોંધાયો છે. સુરતના ઓલપાડમાં ૯૬ મીમી (૩.૭૮ ઇંચ) અને નવસારીના ખેરગામમાં ૭૫ મીમી વરસાદ પડ્યો છે. ભરૂચના હંસોટ અને વલસાડના વાપીમાં પણ ૬૧-૬૧ મીમી જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યના મોટા શહેરોની વાત કરીએ તો, રાજકોટમાં ૩૩ મીમી (૧.૩૦ ઇંચ), સુરત શહેરમાં ૧૮ મીમી (૦.૭૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ તરફ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પ્રમાણમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં અમદાવાદ શહેરમાં ૨ મીમી (૦.૦૮ ઇંચ) અને ગાંધીનગર શહેરમાં પણ ૨ મીમી વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના હડાદ અને અરવલ્લીના મોડાસામાં ૧-૧ મીમી વરસાદ સાથે વરસાદનું જોર ઓછું રહ્યું હતું. ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.