સ્પેનના ટોલેડો પ્રાંતમાં બુધવારે સવારે બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે સર્જાયેલી ભયાનક ટક્કરમાં 46 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્રિટિશ સમાચાર એજન્સી 'ધ ઇન્ડિપેન્ડન્ટ'ના અહેવાલ મુજબ, રાહત અને બચાવ કામગીરી દરમિયાન મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં આ દુર્ઘટનાનું મુખ્ય કારણ સિગ્નલિંગ સિસ્ટમ નિષ્ફળ ગયા બાદ થયેલી માનવીય ભૂલ હોવાનું મનાઈ રહ્યું છે.
કેવી રીતે થયો અકસ્માત?
મેડ્રિડ-સેવિલે રૂટ પર એક 'AVE' ટ્રેન અને એક 'Iryo' ટ્રેન સામસામે ટકરાઈ ગઈ હતી. આ અકસ્માત થયો ત્યારે Iryo ટ્રેનમાં એક બાળક સહિત 147 મુસાફરો સવાર હતા, જ્યારે AVE ટ્રેનમાં 397 લોકો હાજર હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરીને બાજુની ખાડીમાં નીચે પડી ગયા હતા. આ દુર્ઘટનાને પગલે મેડ્રિડથી સ્યૂદાદ રિયલ અને અંડાલુસિયા તરફ જતી તમામ રેલવે સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે.
તકનીકી ખામી બાદ 'હ્યુમન એરર'ની આશંકા
સ્પેનિશ મીડિયા આઉટલેટ 'ઓકડિયાલિયો'ના અહેવાલ મુજબ, વડાપ્રધાન પેડ્રો સાંચેઝની સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે મુખ્ય સિગ્નલિંગ સિસ્ટમ ખરાબ થયા બાદ એડિફ (Adif) ઓપરેટર દ્વારા થયેલી સંભવિત માનવીય ભૂલ આ દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ સુરક્ષા પ્રણાલી સામાન્ય રીતે સ્વચાલિત (ઓટોમેટેડ) હોય છે, પરંતુ તે ફેલ થવાના સંજોગોમાં મેન્યુઅલ મોડ પર શિફ્ટ થઈ જાય છે. ઓટોમેટેડ સિસ્ટમ ફેલ થયા બાદ કંટ્રોલને મેન્યુઅલ મોડમાં લાવવામાં આવ્યો હતો અને તે જ સમયે ઓપરેટરથી ગંભીર ચૂક થતાં બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવી ગઈ હતી. ક્ષેત્રીય સરકારના પ્રવક્તા એસ્ટર પાડીલાના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે કે ટક્કરના સમયે એક ટ્રેન ટ્રેક પર અચાનક કેમ ઊભી રહી ગઈ હતી.
જૂની સિગ્નલિંગ સિસ્ટમ પર ઉઠ્યા સવાલો
જે રેલવે લાઇન પર આ દુર્ઘટના ઘટી છે ત્યાં 1980ના દાયકાથી જૂની 'LZB' સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત હતી. જોકે આ સમગ્ર રૂટનું તકનીકી આધુનિકીકરણનું કામ ચાલી રહ્યું હતું અને ઓપરેટર ADIF ના જણાવ્યા અનુસાર આ કામ પૂરું થવાના આરે હતું, પરંતુ તે પહેલા જ આ ઘાતક ચૂક થઈ ગઈ.