BREAKING NEWS

અમદાવાદમાં બોમ્બની ધમકી પાછળ મોટો ખુલાસો, પાકિસ્તાન-બાંગ્લાદેશનું નેટવર્ક સક્રિય: ક્રિપ્ટોકરન્સીથી ખરીદાયા હતા ઇ-મેઇલ

  • October 28, 2026 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરની શાળાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, સિવિલ કોર્ટ તેમજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ ૧૬ જેટલા મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવાના મામલામાં એક મોટો ખુલાસો થયો છે. આ ધમકીભર્યા ઇ-મેઇલ્સ મોકલવા પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું હેકિંગ નેટવર્ક સક્રિય હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તહેવારોની મોસમમાં ભારતમાં દહેશત અને ભયનો માહોલ ઊભો કરવા માટે આ ઇ-મેઇલ આયોજનપૂર્વક મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.   


આ ઘટના વિશે વિગતો આપતા સાયબર ક્રાઈમ DCP લવિના સિન્હાએ જણાવ્યું હતું કે, ગત 7 તારીખના રોજ ડેનિસ લોંગ (Denise Long) તથા ડબલ્યુ.જે. કેન (wj ken)ના નામની ખોટી ઓળખ ઊભી કરીને બોનીબેંક્સ૪૯@જીમેઇલ.કોમ (bonnieebanks49@gmail.com) અને કેડબલ્યુએજીએલડીએસ@જીમેઇલ.કોમ (kwajlds@gmail.com) પરથી ધમકીભર્યા ઇ-મેઇલ્સ મોકલવામાં આવ્યા હતા. આ ઇ-મેઇલ્સમાં 'ટાઇમ ૮:૦૦ AM એટ ગુજરાત સ્કૂલ્સ @૧૧:૧૧ AM' તથા ખાલિસ્તાની લખાણોનો ઉપયોગ કરીને શાળાઓ-૧૦, મેયર ઓફિસ-૧, ગુજરાત હાઇકોર્ટ, સોલા, મેટ્રો કોર્ટ, ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અમદાવાદ શહેર-૪ તથા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ-૧ મળીને કુલ ૧૬ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ હતી. આ મામલે પોલીસે વિવિધ શાળાઓ અને કોર્ટ સંકુલની રૂબરૂ મુલાકાત લઈને જી-મેઇલના હેડર મેળવ્યા હતા.   


ત્યારબાદ, ગત ૨૭ ઓક્ટોબરના રોજ રેડુઆક૦૭૯@જીમેઇલ.કોમ (reduak079@gmail.com) પરથી ફરીથી એક ધમકીભર્યો ઇ-મેઇલ મોકલવામાં આવ્યો હતો. જેમાં શહેરની ૧૪ શાળાઓ, દાણાપીઠ સ્થિત મેયર ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, મેટ્રો કોર્ટ, ઘી કાંટા કોર્ટ, સિટી સિવિલ કોર્ટ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ ૧૯ જેટલા સંવેદનશીલ સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો નોંધીને ટેકનિકલ વિગતો મંગાવવામાં આવતાં આ ઇ-મેઇલનું કનેક્શન બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાનના લાહોરથી ઓપરેટ થતું હોવાનું સપાટી પર આવ્યું હતું.   


અગાઉ ખાલિસ્તાની સંગઠનના નામે મોકલવામાં આવેલી ધમકીઓની સઘન તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ આરોપીએ હેક થયેલા જી-મેઇલ એકાઉન્ટ્સ બાંગ્લાદેશના એક શખસને વેચ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશના તે શખસે આ કોમ્પ્રોમાઇઝ્ડ ઇ-મેઇલ એકાઉન્ટ્સ પાકિસ્તાનના શખસને વેચાતા આપ્યા હતા અને તેના બદલામાં ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી નાણાકીય ચુકવણી કરવામાં આવી હતી.   


તપાસમાં એવું પણ સ્પષ્ટ થયું છે કે પાકિસ્તાની તત્વો ભારતમાં તહેવારો અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય આયોજનો વખતે જાણી જોઈને ભયનો માહોલ પેદા કરવા માટે ટેલિગ્રામ અને વોટ્સએપ જૂથો દ્વારા આવા હેક થયેલા ઇ-મેઇલ એકાઉન્ટ્સ ખરીદી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટ અને આતંકવાદી માનસિકતા ધરાવતા આ નેટવર્કને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.   

અમદાવાદમાં સ્કૂલ, AMC ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, સિવિલ કોર્ટ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 16 જેટલા સ્થળોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇ-મેઇલ્સ મોકલવા પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નેટવર્ક સક્રિય હોવાનું ખુલ્યું, ક્રિપ્ટોકરન્સીથી ખરીદાયા હતા ઇ-મેઇલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application