વડોદરા શહેરમાંથી એક અત્યંત દુખદ અને હ્રદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના મધ્યમાં આવેલા વ્યસ્ત અને જાણીતા માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા એક સોની પરિવારે અચાનક જ કોઈ અગમ્ય કારણોસર આત્યંતિક પગલું ભરી લીધું છે. પરિવારના ૪૭ વર્ષીય માતાએ પોતાના યુવાન પુત્ર અને પુત્રી સાથે મળીને ઘરમાં જ ગળાફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે સન્નાટો છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક તરફ સમગ્ર રાજ્ય અને દેશમાં દિવાળીના તહેવારોની રોનક જામી છે અને લોકો ખુશીઓ મનાવી રહ્યા છે, ત્યારે આ સોની પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ કરૂણ ઘટનામાં 47 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી જેની સોનીએ એકસાથે પોતાના જીવનનો અંત આણ્યો છે. તહેવારોના પવિત્ર દિવસોમાં જ એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાતના આ સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની ટીમે ઘરમાં પ્રવેશ કરીને ત્રણેય મૃતદેહોનો કબ્જો મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા આ મામલે ઘરમાંથી કોઈ સ્યુસાઈડ નોટ કે અન્ય પુરાવાઓ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેથી આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યા પાછળ આર્થિક સંકડામણ, પારિવારિક વિવાદ કે અન્ય કોઈ માનસિક તણાવ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ પોલીસ દ્વારા તમામ પાસાઓ પર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. એક જ પરિવારના ત્રણ મોભીઓ અને સભ્યોના એકસાથે આ રીતે દુનિયા છોડી જવાથી સગા-સંબંધીઓ અને આડોશ-પડોશના લોકો પણ ગહેરા આઘાતમાં સરી પડ્યા છે. વડોદરા પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધીને આ કરૂણ ઘટના પાછળના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.