BREAKING NEWS

રાજકોટની પ્રખ્યાત હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ, 38 લોકો સામે ગુનો, 97ના બ્લડ સેમ્પલ લેવાયા, જાણો વધુ વિગત

  • November 01, 2026 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા રેસ્ટોરન્ટમાં બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. બાતમીને ગંભીરતાથી લઈને LCB ઝોન-2ની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડો પાડ્યો હતો.

પોલીસની આ કાર્યવાહીથી હોટલ ચાલી રહેલી પાર્ટીમાં દોડધામ મચી ગઈ હતી. બર્થડે પાર્ટીના નામે દારૂની મહેફિલ યોજાતી હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. 

DCP રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ગત રાત્રે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સરાઝા હોટલમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે LCB ઝોન-2ની ટીમે દડો પાડ્યો હતો.  


જ્યાં ચિરાગ પટેલનો બર્થ ડે આવતા દિવસોમાં આવતો હોવાથી એડવાન્સ પાર્ટી રાખવામાં આવી હતી. જે દરમિયાન દારૂની મહેફિલ ચાલી રહી હતી. દરોડા દરમિયાન આ હોટલમાંથી આશરે 75 જેટલા સ્ત્રી-પુરુષો મળી આવ્યા હતા. પોલીસે તમામની પૂછપરછ અને બ્રેથ એનાલાઈઝર દ્વારા નશો કર્યો છે કે નહીં તેની ચકાસણી કરી હતી. તમામના બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.  

આ પ્રકરણમાં કુલ 38 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 35 વ્યક્તિઓ પાર્ટીમાં ભાગ લેનાર છે અને 3 વ્યક્તિઓ હોટલના સર્વિંગ સ્ટાફ છે.  પોલીસને તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની 750 એમએલની 11 જેટલી ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ હોટેલ મેનેજર સામે પણ ગુનો નોંધવામાં આવશે. દારૂની વ્યવસ્થા હોટેલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી કે નહીં? તે પણ હાલ પોલીસ તપાસનો વિષય છે. પાર્ટીમાં હાજર મોટાભાગના લોકો નશાની હાલતમાં હોવાની પ્રાથમિક આશંકા છે, પરંતુ હાલમાં ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં. કેટલા લોકોએ દારૂ પીધો હતો તે બાબત માત્ર આરોપીઓના સિવિલ હોસ્પિટલના મેડિકલ ચેકઅપના અંતિમ અહેવાલ આવ્યા બાદ જ જાણી શકાશે. પોલીસ આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application