સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને તોફાની પવનના કારણે સમુદ્રમાં પ્રચંડ કરંટ જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયામાં જોરદાર કરંટના પગલે વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કડક પગલાં લેવામાં આવ્યા છે. દીવના પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં કાળઝાળ અને ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં તંત્ર દ્વારા દીવના તમામ બીચ પર નહાવા કે દરિયા કિનારાની નજીક જવા પર સખત પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ઉનાના સૈયદ રાજપરામાં લંગર તોડી બોટો તણાઈ, કોસ્ટગાર્ડે ૪ માછીમારોને બચાવ્યા
બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ અને પવનના પરિણામે દરિયામાં ભયજનક કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાના તોફાની મૂડ અને નદીઓના ધસમસતા પ્રવાહના કારણે ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં કિનારે લાંગરેલી ૫ થી ૬ મોટી બોટ અને ૨ થી ૩ નાની હોડીઓ લંગર તોડીને સમુદ્રના જોરદાર પ્રવાહમાં તણાઇ હતી.
આ તણાઈ ગયેલી બોટ પૈકીની એક બોટમાં ૪ માછીમારો સવાર હોવાનું અને તેઓ મધદરિયે ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ આ માછીમારોના રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડના જવાનો તાત્કાલિક સૈયદ રાજપરા ખાતે રવાના થયા હતાં. કોસ્ટગાર્ડની ટીમે ભારે વાવાઝોડા અને વરસાદની વચ્ચે નવાબંદર દરિયાઈ વિસ્તાર ખાતે દિલધડક ઓપરેશન હાથ ધરીને ચારેય માછીમારોને સહી સલામત રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. બચાવવામાં આવેલા માછીમારોના નામ નીચે મુજબ છે:
કમલેશ જીલુભાઇ બારૈયા
નરશી બચુભાઇ બાંભણીયા
રવજી બાબુભાઇ શિયાળ
રામજી બાબુભાઇ શિયાળ
ગાંગડા ગામે રૂપેણ નદીનો પાળો તૂટ્યો: મધ્યરાત્રિએ ૨૫૦ લોકોનું યુદ્ધના ધોરણે સ્થળાંતર
ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામે આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે મોડી રાત્રે કુદરતી આફત ત્રાટકી હતી. ગાંગડા ગામે રાતના આશરે ૧:૦૦ કલાકે અતિભારે વરસાદના કારણે ગામની નજીકથી વહેતી રૂપેણ નદીનો પાળો અચાનક તૂટી ગયો હતો. નદીનો પાળો તૂટવાના કારણે રૂપેણ નદીનું પૂરનું પાણી જોતજોતામાં ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તથા ઊંટવાળા રોડ વિસ્તારમાં અને લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું. સમગ્ર રહેણાંક વિસ્તારમાં કમરબૂડ પાણી ભરાઈ જવાના કારણે રાત્રિના અંધકારમાં આશરે ૨૫૦ જેટલા સ્થાનિક લોકો પાણીમાં ફસાઈ ગયા હતા.
પરિસ્થિતી અત્યંત ગંભીર બનતા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવતા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું હતું. મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ તેમજ એસ.ડી.આર.એફ (SDRF)ની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી તમામ ૨૫૦ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા. તંત્રની આ સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.