રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સમન્વય પોર્ટલને મળેલી ફરિયાદને આધારે સાઈબર ફ્રોડથી લોકોના કરોડો રૂપિયા વિથડ્રો કરી ૧૫૦૦ કરોડના સાઈબર ફ્રોડના કૌભાંડમાં સંડોવાયેલા 15 શખ્સો પૈકી જેલ હવાલે રહેલા હિરેન લીંબાસીયાની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સમન્વય પોર્ટલ તથા સાયબર હેલ્પલાઇન 1930 પરથી મળેલ ડેટાના આધારે ભારતભરમાં થયેલ 400 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન મામલે પડધરી પોલીસે ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના દસ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂપિયાની હેરાફેરી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાની ગોંડલના બે વેપારી સહીત 15 સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે આ પ્રકરણમાં હિરેન અશ્વિનભાઈ લીંબાસીયા સહિત વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસમાં આ ટોળકીએ 1500 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું હતું. તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા બાદ હિરેન લીંબાસીયાએ જામીન અરજી કરી હતી.
તેમાં તેના વકીલે કાયદાની જોગવાઈ મુજબ આરોપીની ધરપકડના ૨૪ કલાકમાં કોર્ટ સમક્ષ રજુ કરવાના બદલે આરોપીને ૩૬ કલાકે રજુ કરેલ હોવાથી તેની ધરપકડ ગેરકાનુની છે, અને આરોપીને જામીન મુકત કરવા જોઈએ તેવી રજૂઆત કરી હતી. જે સામે સરકાર વતી જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, આરોપીની અટક અને ધરપકડ બંને અલગ બાબતો છે. ૨૪ કલાકમાં કોર્ટમાં રજુ કરવાની જોગવાઈ ધરપકડના સમયથી શરૂ થાય છે. કોઈ વ્યકિતને પોલીસ સ્ટેશનમાં પુછપરછ માટે લઈ જવામાં આવે તે ખરેખર આરોપી છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવે તે સમયગાળાને ધરપકડ કહી શકાય નહી. પુછપરછ દરમ્યાન તેઓ ગુન્હામાં સામેલ હોવાનું જણાય ત્યારે તેની ધરપકડ કરવામાં આવે છે.
હાલના કેસમાં આરોપી હિરેનની ધરપકડના ૨૪ કલાક સમયે આરોપીએ મેજિસ્ટ્રેટ રૂબરૂ ગેરકાનુની ધરપકડનો કોઈ બચાવ લીધેલ નથી, સરકાર તરફેની આ રજુઆતો અને કેસના ગુણદોષો તથા સાઈબર ફ્રોડની માતબર રકમ અંગેની રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ ટી. એસ. બ્રહમભટ્ટે આરોપી હિરેન અશ્વિન લીંબાસીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર વતી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને એ.પી.પી. અતુલભાઈ જોષી રોકાયા હતા.