રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન અને રિંગ રોડ ઉપર ૧૬ વર્ષ બાદ અશ્વોની હણહણાટી ફરી સાંભળવા મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ડિસેમ્બર માસમાં અભૂતપૂર્વ અશ્વ શો યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી અશ્વ પાલકો અને અશ્વ પ્રેમીઓને આ અશ્વ શોમાં ભાગ લેવા માટે અને નિહાળવા માટે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મોકલવામાં આવશે તેમ મ્યુનિ.સૂત્રોમાંથી જાણવા મળે છે.
મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૦માં તત્કાલિન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કશ્યપ શુક્લ અને તત્કાલિન સમાજ કલ્યાણ ચેરમેન દેવાંગ માંકડના કાર્યકાળમાં સર્વપ્રથમ વખત અશ્વ શો યોજવામાં આવ્યો હતો જે ખુબ સફળ રહ્યો હતો, દરમિયાન હાલના પદાધિકારીઓ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં નાતાલ પૂર્વે અશ્વ શો યોજવા તડામાર તૈયારી શરૂ કરાઇ છે અને ટૂંક સમયમાં આ ઇવેન્ટના મેનેજમેન્ટ માટેનું ટેન્ડર પ્રસિધ્ધ થનાર હોવાનું જાણવા મળે છે.
અશ્વ શોએ માત્ર ઘોડાઓની સ્પર્ધા નથી, પણ સૌરાષ્ટ્ર-કચ્છની શૌર્યપૂર્ણ પરંપરા, સંસ્કૃતિ અને પશુપાલન ક્ષેત્રની ઝાંખી કરાવતો ભવ્ય ઉત્સવ બની રહેશે, જેમાં કાઠિયાવાડી અને મારવાડી જેવી ઉત્તમ ઓલાદના અશ્વોએ પોતાની ચાલ, સૌંદર્ય અને તાકાતથી સૌને મંત્રમુગ્ધ કરશે. બાળકોથી લઈને વડીલો સહિત સૌ કોઇ માટે આ એક માણવા લાયક ઇવેન્ટ બની રહેશે.શો દરમિયાન અશ્વપાલકોએ વર્ષોની મહેનત અને લગનથી તૈયાર કરેલા પોતાના અશ્વોને રજૂ કરશે. આ પ્રસંગે તજજ્ઞ નિર્ણાયકો અશ્વોની ચાલ, શરીર સૌષ્ઠવ, ઊંચાઈ અને સ્વભાવના આધારે મૂલ્યાંકન કરી વિજેતા અશ્વમાલિકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરશે તેવું આયોજન છે. અશ્વ શોના આયોજનથી સ્થાનિક અશ્વપાલકોને નવું બજાર મળે અને યુવા પેઢીમાં અશ્વપાલન પ્રત્યે રુચિ વધે તેમજ લુપ્ત થતી દેશી ઓલાદના સંવર્ધનને પણ વેગ મળે તેવો ઉમદા હેતુ છે.
અત્રે ઉલ્લેખનીય ગત વર્ષ ૨૦૨૫માં વાંકાનેર ખાતે ગુજરાતનો સૌથી મોટો ૧૭મો કા.મા. (કાઠિયાવાડી-મારવાડી) અશ્વ શો યોજાયો હતો. તા.૨૬ થી ૨૮ ડિસેમ્બર દરમિયાન વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ગ્રાઉન્ડ ખાતે કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસો.-ગુજરાત અને પશુપાલન વિભાગ-ગુજરાત સરકાર દ્વારા
વાંકાનેરના સ્વ.મહારાણા ડો.દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં અશ્વ શો યોજાયો હતો જેમાં ૩૦૦ જેટલા કાઠિયાવાડી, મારવાડી અને સિંધી ઓલાદના ઘોડાનું રજીસ્ટ્રેશન થયું હતું અને મેડિકલ તપાસ પછી તેમાંથી ૨૫૦ ઘોડાને સ્પર્ધા માટે મંજૂરી મળી હતી. આ અશ્વ શોમાં
બ્રીડ શો, રીવાલ ચાલ, સૌથી સુંદર શણગાર, ૨૦ કિ.મી.ની એન્ડ્યોરન્સ રેસ, બેરલ રેસ તેમજ મટકી ફોડ જેવી છ મુખ્ય સ્પર્ધાઓ યોજાઇ હતી. આ ઉપરાંત રાજકોટ પોલીસ માઉન્ટેડ યુનિટ દ્વારા સ્ટંટ શોની રજૂઆત કરવામાં આવી હતી.
જો કે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં યોજવામાં આવનાર અશ્વ શોમાં ઉપરોક્ત જેવી છ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવશે કે પછી ફ્ક્ત રેસકોર્સ રિંગ રોડ ઉપરથી અશ્વો પસાર થાય અને લોકો નિહાળે તેવો અશ્વ શો યોજાશે તે અંગેનું આયોજન હજુ વિચારાધિન છે. અલબત્ત સ્પર્ધાના તત્વ વિના શોની રોમાંચકતા ન રહે આથી શહેરી કક્ષાએ યોજવી શક્ય બને તેવી મર્યાદિત સ્પર્ધાઓ યોજવામાં આવે તેવું બની શકે છે.