BREAKING NEWS

યમનમાં પરિસ્થિતિ વધુ વિપરીત: સમગ્ર લાલ સમુદ્ર કિનારા પર હૂથીઓનો કબ્જો, 1 લાખથી વધુ નાગરિકો દેશ છોડવા મજબૂર

  • September 17, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યમનમાં ઈરાન સમર્થિત હૂથી લડવૈયાઓ અને સાઉદી અરેબિયાના સૈન્ય સમર્થિત દળો વચ્ચે ભયાનક યુદ્ધ જારી છે. સાઉદી અરેબિયાના લડાકુ વિમાનોએ હૂથીના ઠેકાણાઓ પર ડઝનબંધ હવાઈ હુમલાઓ કર્યા હતા, જેના જવાબમાં હૂથી વિદ્રોહીઓએ સાઉદી સમર્થિત યમન સરકારના સૈન્ય પાસેથી વધુ કેટલાક વિસ્તારો છીનવી લીધા છે. આ સાથે જ હૂથી લડવૈયાઓએ લાલ સમુદ્ર (Red Sea) ને અડીને આવેલા દેશના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તાર પર પોતાનો પૂર્ણ કબ્જો જમાવી લીધો છે.




વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા લાલ સમુદ્રના પ્રવેશદ્વાર 'બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ' નજીકના ટાપુઓ પર હૂથીઓ અગાઉથી જ કબ્જો કરી ચૂક્યા છે. આ સ્થિતિના કારણે વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ માર્ગોમાંથી એક એવા આ રસ્તેથી જહાજોની અવરજવર હવે સંપૂર્ણપણે હૂથી વિદ્રોહીઓની ઈચ્છા પર નિર્ભર થઈ ગઈ છે. હૂથીઓએ આ માર્ગ પરથી સાઉદી અરેબિયાના જહાજોના પસાર થવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે અન્ય દેશોના વેપારી જહાજોની અવરજવર હાલ પૂરતી ચાલુ છે.




બીજી તરફ હૂથીઓ અને સાઉદી સમર્થિત સેના વચ્ચેની જમીની લડાઈ તથા સાઉદીના હવાઈ હુમલાઓથી બચવા માટે યમનના સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં દેશ છોડીને ભાગી રહ્યા છે. લોકો દરિયાઈ માર્ગે આફ્રિકી દેશોમાં શરણ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM) ના અહેવાલ મુજબ, છેલ્લા અઠવાડિયે યુદ્ધ તીવ્ર બન્યા બાદ 1 લાખથી વધુ નાગરિકો યમન છોડીને અન્ય દેશોમાં પલાયન કરી ચૂક્યા છે. આ દરમિયાન હૂથીઓએ સાઉદી અરેબિયાના અમેરિકા નિર્મિત F-15 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું, જેના અવશેષો પાસે વિદ્રોહીઓ ઉજવણી કરતા જોવા મળ્યા હતા.



બે મુખ્ય દરિયાઈ માર્ગો - હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર જોખમ વધતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધના અંત અંગે સંકેત આપ્યા છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન અમારી સાથે સમજૂતી કરવા માંગે છે અને આ વાટાઘાટો કેવી રીતે આગળ વધે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ યુદ્ધ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application