નવરાત્રિમાં અમદાવાદના 'જેન-ઝી'માં એક નવો અને આશ્ચર્યજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુવાનો ગરબામાં થાક ન અનુભવે અને નોન-સ્ટોપ ગરબા રમે તે માટે અને ચહેરો ગ્લો કરે તે માટે રૂ.૧૫,૦૦૦ સુધીનો ખર્ચ કરીને 'IV ડ્રિપ્સ' થેરાપી લેવાનું પસંદ કરી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ક્લિનિકો ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયેલી હોય તેવું બતાવવામાં આવ્યું છે.
સમગ્ર દેશમાં નવરાત્રિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદની હાઈ-એન્ડ એસ્થેટિક ક્લિનિક્સમાં પરંપરાગત ફેશિયલ કે સામાન્ય સ્કિનકેર પેકેજોને બદલે ત્વચા પર ચમક લાવવા માટે આઈવી ડ્રિપ્સનો ઉપયોગ વધી રહ્યો છે. ગરબાના શોખીનો તહેવારના નવ દિવસો દરમિયાન પોતાની ઊર્જા (સ્ટેમિના) જાળવી રાખવા અને ત્વચાને ચમકદાર રાખવા માટે વિટામિન સી , બી-કોમ્પ્લેક્સ, ઝિંક અને ગ્લુટાથિઓન જેવા ઘટકો ધરાવતા કોકટેલ ઇન્ફ્યુઝન પસંદ કરી રહ્યા છે.
દિવસે ઓફિસનું કામ અને મોડી રાત સુધી ચાલતા ગરબા વચ્ચે સંતુલન જાળવવા માટે યુવાનો ગોળીઓ ખાવાને બદલે ૪૫ મિનિટના આ ઇન્ફ્યુઝન સેશન દ્વારા પોષક તત્વો સીધા રક્તપ્રવાહમાં લેવાનું પસંદ કરી રહ્યા છે, જેથી શરીર પર તાત્કાલિક અસર જોવા મળે. અમદાવાદમાં એક IV ડ્રિપ સેશનનો ખર્ચ રૂ.૪,૦૦૦ થી રૂ.૧૦,૦૦૦ અને ફેસ્ટિવલ પેકેજની કિંમત રૂ.૧૫,૦૦૦ સુધી પહોંચે છે. પ્રહલાદ નગરના ૨૪ વર્ષીય ડિજિટલ સ્ટ્રેટેજિસ્ટ અને બોડકદેવના ૩૮ વર્ષીય નાણાકીય સલાહકાર જેવા વ્યાવસાયિકો પણ થાક દૂર કરવા અને ઉર્જા સ્તર જાળવવા આ સીઝનલ ઉપાય અપનાવી રહ્યા છે.
આ થેરાપી અંગે વિશેષ માહિતી આપતા થલતેજ સ્થિત 'સ્કેનેરા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક'ના ડર્મેટોલોજિસ્ટ ડૉ. મોનિકા ટિબ્રેવાલે જણાવ્યું હતું કે આ ડ્રિપમાં સામેલ માઈક્રોન્યુટ્રિઅન્ટ્સ સ્કીન, વાળ અને નખની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે તથા રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત કરી ભીડભાડવાળા વાતાવરણમાં ઇન્ફેક્શન સામે રક્ષણ પૂરું પાડે છે.
IV ડ્રીપ થેરાપી: શું હોય છે અને દર્દીને કેવી રીતે આપવામાં આવે છે?
આજકાલ તબીબી સારવારમાં 'IV ડ્રીપ થેરાપી'નો ઉપયોગ ખૂબ જ સામાન્ય બન્યો છે. આ થેરાપીમાં મુખ્યત્વે દર્દીની જરૂરિયાત મુજબ ચાર અલગ-અલગ પ્રકારના પ્રવાહી આપવામાં આવે છે, જેમાં મીઠા અને પાણીનું મિશ્રણ (સેલાઈન), ગ્લુકોઝનું પાણી, સોડિયમ, પોટેશિયમ તથા ક્લોરાઈડ જેવા ઈલેક્ટ્રોલાઈટ્સ અને ક્ષારોનું મિશ્રણ તેમજ જરૂરિયાત મુજબની દવાનો સમાવેશ થાય છે.
IV ડ્રીપ થેરાપી દર્દીને આપવા માટે ચોક્કસ તબીબી પ્રક્રિયા અનુસરવામાં આવે છે. સૌથી પહેલાં દર્દીના હાથની નસમાં એક નાની પ્લાસ્ટિકની નળી (કેન્યુલા) દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ આ નળીને ડ્રીપ સેટની પાઇપ સાથે જોડવામાં આવે છે, જે ઉપર લટકાવેલી બોટલ કે નાની બેગ સાથે જોડાયેલી હોય છે.
છેલ્લા તબક્કામાં, ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) અથવા સ્પેશિયલ ઇન્ફ્યુઝન પંપની મદદથી પ્રવાહી ટીપે-ટીપે દર્દીના શરીરમાં પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા દવાઓ કે જરૂરી પોષક તત્વો સીધા જ રક્તપ્રવાહમાં ભળી જતાં દર્દીને ઝડપી રાહત મળે છે.
યુવાનો કેમ લઈ રહ્યા છે IV ડ્રિપ?
ઇન્સ્ટન્ટ એનર્જી અને સ્ટેમિના: ઓફિસ કે કોલેજના કામની સાથે રાત્રે કલાકો સુધી નોન-સ્ટોપ ગરબા રમવા માટે શરીરની ક્ષમતા વધારવા આ મિશ્રણ સીધું લોહીમાં આપવામાં આવે છે.
ગરબા ગ્લો: ફોટો અને વીડિયોમાં ત્વચા ચમકદાર દેખાય તે માટે વિટામિન સી, બી-કોમ્પ્લેક્સ, ઝિંક અને ખાસ કરીને ગ્લુટાથિઓન જેવા એન્ટીઑકિસડન્ટનું "કોકટેલ ઇન્ફ્યુઝન" લેવામાં આવે છે.
ઝડપી રિકવરી: ગોળીઓ ખાવા કરતાં આ થેરાપી 45 મિનિટના સેશનમાં તાત્કાલિક અસર બતાવે છે, જેથી બીજા દિવસે સવારે ઓફિસ જવામાં થાક ન લાગે.
તબીબી નિષ્ણાતોની સખત ચેતવણી: વગર વિચારે ન લો થેરાપી
સ્થાનિક તબીબી નિષ્ણાતો તબીબી દેખરેખ વગર આ ટ્રેન્ડ અપનાવવા સામે લાલબત્તી ધરી રહ્યા છે. ફેમસ ડર્મેટોલોજીસ્ટ જણાવે છે કે આ સમગ્ર પ્રક્રિયાની મેડિકલ તપાસ થવી જરૂરી છે. IV ડ્રિપ્સ એ માત્ર બ્યુટી ટ્રીટમેન્ટ નથી પરંતુ તબીબી સારવાર છે, જે યોગ્ય બ્લડ ટેસ્ટ અને પરામર્શ પછી જ લેવી જોઈએ. આ ઇન્ફ્યુઝનમાં હાઇ-ડોઝ એન્ટીઑકિસડન્ટ હોય છે. ડૉક્ટરની સલાહ વિના લેવાથી એલર્જી, શરીરમાં ફ્લૂઇડ રિટેન્શન (પ્રવાહી ભરાઈ જવું) કે લીવર પર બિનજરૂરી દબાણ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.