રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ છે. આથી ખેડૂતોને વારો આવતા ત્રણ દિવસ સુધી વેઇટિંગ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મગફળી સાથે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. બીજી તરફ મગફળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો કમોસમી વરસાદથી પાક નુકસાની માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ પર પણ તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં પોતાની મગફળી વેચવા આવેલા ખેડૂતે જણાવ્યું કે, તેઓ ગઈકાલ રાતથી મગફળી લઈને યાર્ડમાં આવ્યા છે, પરંતુ આવક એટલી બધી છે કે તેમનો વારો આવતા હજી બે-ત્રણ દિવસનો સમય લાગશે તેવું જણાઈ રહ્યું છે. અત્યારે મુખ્યત્વે મગફળીનું જ વાવેતર થયું હોવાથી ખેડૂતોને તાત્કાલિક પૈસાની જરૂર છે, ખાસ કરીને આગામી ઘઉંની વાવણી અને બિયારણની ખરીદી માટે રૂપિયાની જરૂર છે.
મગફળીનો ભાવ ઘટી રહ્યો છે
ભાવ અંગે ખેડૂતે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, અત્યારે ભાવ રૂ. 900થી રૂ. 1100 જેવો દેખાય છે. જોકે, અન્ય એક-બે એન્ટ્રીમાં સારી ગુણવત્તાવાળા માલના ભાવ રૂ. 1200 કે તેથી વધુ હોય પણ શકે છે, કારણ કે દરેક ખેડૂતનો માલ સરખો નથી હોતો. ખાતર, બિયારણ, દવા સહિત ખેતી માટેની તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવા છતાં મગફળીનો ભાવ ઘટી રહ્યો છે. ખરેખર ખેડૂતોને આર્થિક રીતે ટકી રહેવા માટે મગફળીનો લઘુતમ ભાવ રૂ. 1800થી રૂ. 2000 પ્રતિ મણ હોવો જોઈએ. વર્તમાન ભાવમાં મગફળી વેચાય તો જ ખેડૂતો ઘઉંનું બિયારણ 50% જેટલું ખરીદી શકે, નહીં તો તેમને બિયારણ મળવું પણ મુશ્કેલ છે.
ધિરાણમાં 50%ની માફી આપવાની માંગ
સરકાર દ્વારા ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેના અંગે પણ ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દેવાયતભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સરકાર દ્વારા જાહેર કરેલા પેકેજને લઈ ખેડૂતો અસંતુષ્ટ છે. આ પેકેજ સારું છે, પરંતુ તે સત્વરે એટલે કે યુદ્ધના ધોરણે બધા ખેડૂતોને મળવું જોઈએ. હજી સુધી તેનો પોતાને લાભ નથી મળ્યો. આશા છે કે સરકાર આપશે, પણ જો તે ટાઇમે આપે તો જ કામનું. બાકી તો જમી લીધા પછી તમે મને જમવા દો તો એનો શો ફાયદો? તો સાથે જ ધિરાણમાં 50%ની માફી આપવાની માંગ પણ તેમણે કરી છે.