ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) પ્રત્યે લોકોનો રસ સતત વધી રહ્યો છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની નોંધણીમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ બમણો વધારો નોંધાયો છે. કેન્દ્રના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આંકડા મુજબ જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન રાજ્યમાં 28,148 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી થઇ હતી, જ્યારે જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન આ સંખ્યા વધીને 55,344 પર પહોંચી છે. આ રીતે માત્ર એક વર્ષમાં ઈવી નોંધણીમાં 97 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
જૂન મહિનાના આંકડાઓ પણ ઈવી બજારમાં મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. જૂન 2025માં રાજ્યમાં 6,276 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે જૂન 2026માં આ સંખ્યા વધીને 11,786 થઈ ગઈ હતી. એટલે કે એક જ મહિનામાં વેચાણમાં 88 ટકાનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે આ વૃદ્ધિ પાછળ ગ્રાહકોમાં સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી પરિવહન પ્રત્યે વધતી જાગૃતિ મુખ્ય કારણ છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (એફએડીએ) ગુજરાતના અધ્યક્ષ પ્રણવ શાહના જણાવ્યા અનુસાર બેટરી ટેક્નોલોજીમાં થયેલા સુધારા, વધુ મોડલની ઉપલબ્ધતા, સ્પર્ધાત્મક કિંમતો અને સાત વર્ષ સુધીની બેટરી વોરંટીના કારણે ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે. ઉપરાંત, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને પેસેન્જર વાહનો માટે મળતી સરકારી સબસિડી પણ ઈવીની માંગ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
એફએડીએના આંકડા મુજબ જૂન 2026 દરમિયાન સમગ્ર દેશમાં પ્રથમ વખત વૈકલ્પિક ઇંધણ આધારિત પેસેન્જર વાહનોનો હિસ્સો 40 ટકાથી વધુ રહ્યો હતો. તેમાં સીએનજી વાહનોનો હિસ્સો 24.33 ટકા, હાઇબ્રિડ વાહનોનો 8.27 ટકા અને ઇલેક્ટ્રિક વાહનોનો 7.75 ટકા રહ્યો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે ગ્રાહકો હવે પરંપરાગત પેટ્રોલ-ડીઝલ વાહનોના વિકલ્પોને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.
ગાંધીનગરના એક વરિષ્ઠ આરટીઓ અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં હાઇવે પર ઝડપી ચાર્જિંગ સ્ટેશનોનું વધુ વિસ્તરણ કરવામાં આવશે તો ઈવી અપનાવવાનો દર વધુ વધી શકે છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ તેમજ શહેરમાં ઓછા દૈનિક ખર્ચે મુસાફરી કરવાની સુવિધાને કારણે પણ ઘણા ગ્રાહકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. ઉદ્યોગજગતના નિષ્ણાતોનું માનવું છે કે નવા ઈવી મોડલ, ચાર્જિંગ નેટવર્કનો વિકાસ અને ગ્રાહકોમાં વધતો વિશ્વાસ આગામી મહિનાઓમાં પણ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગને વધુ મજબૂત બનાવશે.