સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અનેક વાહનો નષ્ટ થયા હતા. બ્લાસ્ટ પછી માનવ અંગો દૂર-દૂર સુધી ફેંકાયાં હતા. કોઈનું ધડ માથાથી અલગ જોવા મળ્યું હતું. જેની ખતરનાક તસવીરો સામે આવી છે. કેટલાક લોકો મદ કરવાને બદલે વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા. આથી સ્થાનિક લોકોએ માનવતા પર સવાલ ઉઠાવ્યા છે.

હવામાં ઉડી ગાડીઓ
એક પ્રત્યક્ષર્શી ધર્મેન્દ્રએ જણાવ્યું કે, 'હું મેટ્રો ગેટ નંબર એક પાસે પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક જોરદાર ધમાકો થયો. ગાડી હવામાં ઉડી અને પછી નીચે પડી તો બસ એક માળખું જ બચ્યું હતું. ચારે બાજું આગ લાગી ગઈ હતી, કાચ તૂટી ગયા, હું ભાગીને રોડ પર આવ્યો, જોયું તો ગાડીમાં લોકો સળગી રહ્યા હતા. બ્લાસ્ટ બાદ અમુક જ સેકન્ડમાં આજુબાજુના લોકો દૂર ભાગી ગયા. ધુમાડો એટલો બધો હતો કે, કંઈ દેખાતું નહતું. મેં લોકોને બૂમ પાડીને કહ્યું કે, મદદ કરો, અંદર લોકો ફસાયેલા છે. પરંતુ, કોઈ આગળ ન આવ્યું. બધાના હાથમાં ફક્ત મોબાઇલ હતા, લોકો વીડિયો બનાવી રહ્યા હતા. આ ક્ષણ ખૂબ જ ડરામણી હતી.'







