BREAKING NEWS

પુત્રીને ઘરનું કામ કરવા કહેતાપરિણીતાને પતિએ ઢોર મારમારી ઘરમાંથી કાઢી મૂકી

  • November 08, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
હાલ વિંછીયામાં માવતરના ઘરે રહેતી અમદાવાદની પરિણીતાએ મોટી દીકરીને ઘરનું કામ કરવાનું કહેતા પતિએ મારમારી ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસુ સસરાએ ગાળો ભાંડી ઘરમાં આવી છો ત્યારથી શાંતિ નથી તેમજ તને ત્રાસ આપી છીએ તેની ફરિયાદ કરી છે તો મારી નાખવાની ધમકી આપી આપી હતી. જે અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

હાલ વિંછીયામાં રહેતી કુસુમબેન(ઉ.વ ૩૮) નામની પરિણીતાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં વીરમાયાનગર, આઈસી રોડ સ્નેહ પ્લાઝા તલાવડી ચાંદખેડામાં રહેતા પતિ પ્રવીણ જગાભાઈ મકવાણા, સસરા જગાભાઇ અને સાસુ સવિતાબેનના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ૦૮/૦૨/૨૦૧૧માં અમદાવાદમાં રહેતા પ્રવીણ મકવાણા સાથે થયા હતા. તેને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. લગ્ન સાત વર્ષ સુધી સંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ, સાસુ-સસરાએ શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.

ગત તા. ૦૫/૧૧ ના રોજ ઘરમાં તમામ સભ્યો હાજર હોય દરમિયાન મોટી દીકરી તેજસ્વીને ઘરનું કામ કરવાનું કહેતા પતિએ પરિણીતાને કહ્યું કે તારે તેજસ્વીના ઘરકામ કરવાનું કહેવાનું નહીં તેમ કહી ઉશ્કેરાઈને ગાળો ભાંડી, તને રસોઈ બનાવતા આવડતી નથી તે આવીને મારી જિંદગી બરબાદ કરી છે તું તારા પિતાને ઘરે જતી રે કહી ઢીકાપાટુનો માર મારતા પરિણીતાએ પોતાના બચાવ માટે ઘરની બહાર દોડી ગઈ.પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકતા માર માર્યાના લીધે દુ:ખાવો થતો હોવાથી પોતે એકલી અમદાવાદ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતી રહી. ઝઘડા દરમિયાન સસરાએ કહ્યું કે તું જ્યારથી ઘરમાં આવી છો ત્યારથી ઘરમાં શાંતિ રહેવા દીધી નથી આવું કહી તેણે પણ પરિણીતાને ગાળો ભાંડી.

ગત તા. ૦૬/૧૧ ના રોજ પરિણીતાએ અમદાવાદ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈને સરકારી બસમાં બેસી વિછીયામાં રહેતા પિતાના ઘરે જઈ તેની સાથે થઈ રહેલા શારીરિક માનસિક ત્રાસ અંગે પિતા અને ભાઈને જણાવ્યું હતું.

લગ્ન જીવન દરમિયાન પતિ અને સાસુ સસરા ત્રાસ આપતા હોવાથી અવારનવાર પિતાના ઘરે જતી રહેતી બાદમાં બાળકો નાના હોવાથી પરત સાસરે જતી રહેતી. સાસુ સસરા કહેતા કે તું કરિયાવરમાં કંઈ લાવી નથી. તમે શારીરિક માનસિક ત્રાસ આપીએ છીએ તેની અમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને અને તારા મા-બાપને મારી નાખીશું તેવી ધમકી આપતા. પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકતા અંતે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application