રાજકોટમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ વધુ એક વખત ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના દૂધસાગર રોડ પર આકાશદીપ સોસાયટીમાં બહેનપણીના ઘરે રિસામણે ગયેલી નિલેશ્વરી યોગેશભાઈ માવલા (ઉ.વ. 28) નામની પરિણીતાને પતિ યોગેશ બાબુભાઈ માવલા(બોરીચા) (રહે. ભગવતીપરા મેઇન રોડ, ધરમનગર) એ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. પરિણીતાએ ચાર વર્ષ પુર્વે યોગેશ સાથે યોગેશ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. અંતે પરિણીતા બહેનપણીના ઘરે રીસામણે ચાલી જતા પતિએ ઉશ્કેરાઇ હુમલો કર્યો હતો. હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નિલેશ્વરી ચાર દિવસથી સહેલી જલ્પાના ઘરે આવ્યા બાદ તેણે સહેલીને કહ્યું હતું કે, યોગેશ દરરોજ દારૂ પી હેરાન કરે છે મારે છે, એટલું જ નહીં તે અહીં આવ્યા બાદ યોગેશે ધમકી આપી હતી કે તું ઘરે પાછી આવી જા નહીંતર તને ગોતી લઇશ અને જોવા જેવી થશે.
ખુની હુમલો કર્યા બાદ યોગેશ નાસી ગયો
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે બપોરના સમયે દૂધસાગર રોડ પરની આકાશદીપ સોસાયટી શેરી નં.૮ ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા કવાર્ટરમાં બહેનપણીના ઘરે આવેલી નિલેશ્વરી (ઉ.વ.28) નામની પરિણીતા પર પતિ યોગેશ બાબુભાઈ માવલા (બોરીચા) એ હુમલો કરી તેને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. પત્ની પર ખુની હુમલો કર્યા બાદ યોગેશ અહીંથી નાસી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવના પગલે થોરાળા પોલીસમાં મથકના સ્ટાફે બનાવસ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
યુવતી મૂળ ધાંગ્રધાના ડુમાણાની વતની હતી
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, નિલેશ્વરીબા શક્તિસિંહ ઝાલા નામની આ યુવતી મૂળ ધાંગ્રધાના ડુમાણાની વતની હતી સાડા ચાર વર્ષ પહેલાં તે સોશિયલ મીડિયા સંપર્કમાં આવ્યા બાદ બંને લવ મેરેજ કર્યા હતા.લગ્નના થોડા સમય બાદ જ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. યોગેશ બોરીચા કંઈ કામ ધંધો કરતો ન હોય જેના કારણે આર્થિક સંકળામણ રહેતી હતી. યોગેશને નશો કરવાની પણ ટેવ હોય આ કારણસર બંને વચ્ચે ઉગ્ર ઝઘડાઓ થતા હતા. ઘરકંકાશ વધી જતા ચારેક દિવસ પૂર્વે નિલેશ્વરી અહીં આકાશદીપ સોસાયટીમાં બેનપણી જલ્પાના ઘરે રિસામણે આવી હતી. દરમિયાન પતિ યોગેશ બોરીચાએ અહીં ધસી આવી છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી નાખી હતી.
મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી
હત્યાના આ બનાવ અંગે હાલ અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં વિશ્રામ પાર્ક સોસાયટીમાં રહેતા મૃતકના ભાઈ પ્રથમસિંહ ઉર્ફે પથુભા શક્તિસિંહ ઝાલા (ઉ.વ. 24) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં યોગેશ બાબુભાઈ માવલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક એક ભાઇ એક બહેનના પરિવારમાં મોટી હતી. બીજી તરફ આ બનાવને લઇ થોરાળા પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાકીદે તપાસ હાથ ધરી હતી અને આરોપી યોગેશને ઝડપી લીધો હતો. યોગેશ સામે અગાઉ મારામારી અને દારૂ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ.સી.વી ચુડાસમા ચલાવી રહ્યા છે.
બચાવવા વચ્ચે પડતા પરિણીતાની સહેલીના પિતાને યોગેશે છરી ઝીંકી
યોગેશે ગઇકાલે બપોરના આકાશદિપ સોસાયટીમાં છરી સાથે ધસી જઇ પત્ની નિલેશ્વરી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમયે બચાવવા વચ્ચે પડતા પરિણીતાની સહેલી જલ્પાના પિત બિપીનભાઇ રણછોડભાઇ પીઠવાને પણ યોગેશે છરી ઝીંકી દઇ તું વચ્ચે પડતો નહીં નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. હુમલામાં બિપીનભાઇને હાથમાં ઇજા પહોંચી હતી.
૧૫ નવેમ્બરે નાગેશ્વર વિસ્તારમાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કર્યો હતો
રાજકોટમાં પતિના હાથે પત્નની હત્યાની ઘટના દુધસાગર રોડ પર બનવા પામી છે. આ પૂર્વે ગઇ તા. 15 નવેમ્બરે નાગેશ્વર વિસ્તારમાં કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમસંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી. 17 નવેમ્બરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.