BREAKING NEWS

જેતપુરમાં પતિએ કાતરના ઘા ઝીંકી પત્નીને રહેસી નાખી, આગલા ઘરની પુત્રી સાથેના સંબંધો નહીં ગમતા હત્યા કરી

  • January 12, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લાના જેતપુર ભોજાધાર વિસ્તારમાં રહેતા ઉતરપ્રદેશના વતની શખસે પત્ની અને પુત્રી પર કરેલા ખુની હુમલાના બનાવમાં પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા પતિને ઝડપી લેતા પૂછપરછમાં પત્નીની આગલા ઘરની પુત્રી સાથેના સંબંધો નહીં ગમતા હત્યા કર્યાની હત્યારા પતિએ કબુલાત આપતા ગુનો નોંધી ધરપકડ કરી હતી.


માતા ગોરકીનું મોત નીપજ્યું

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ યુપીની વતની હાલ જેતપુરમાં રહેતી રીતુસિંગ અમિતસિંગ લક્ષ્મણ તિવારીએ ફરીયાદ કરેલ જેમાં તેના સાવકા પિતા રાકેશસિંગે તેની પત્ની ગોરકી ઉર્ફે રેખા અને ફરિયાદી પુત્રી પર કાતરથી ખુની હુમલો કર્યો હતો,જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને માતા ગોરકીનું મોત નીપજ્યું હતું અને પોતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


માતા-પુત્રીના સબંધો સાવકા પિતાને ગમતા ન હતા

હુમલો કરવાનું કારણ પૂછવામાં આવતા પોતાની માતા અને આરોપી પિતા બન્નેના બીજા લગ્ન હોવાનું અને ફરિયાદી આગલા ઘરના પતિની દીકરી હોય જેથી માતા-પુત્રીના સબંધો સાવકા પિતાને ગમતા ન હોય જેથી આરોપી રાકેશસીંહ ઉર્ફે દિલપ ફતેબાહદુરસિંહે ફરીયાદી રીતુસિંગની માતા ગોરકી ઉર્ફે રેખા સાથે ઝઘડો કરી ફરીયાદીના માતાને મારી નાખવાના ઇરાદે પેટ, સાથળ તથા પીંડીના ભાગે કાતરથી જીવલેણ ઘા મારી ફરીયાદીના માતા ગોરકી ઉર્ફે રેખા અને ફરિયાદી રીતુસિંગને પેટના ભાગે કાતરના ઘા ઝીંકી દેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.


હત્યારા પતિને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

જે અંગે ઘવાયેલ પુત્રીની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસે નોંધયા બાદ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાએ મર્ડર કરનાર આરોપી રાકેશસીંહ ઉર્ફે દિલપ ફતેબાહદુરસિંહ જગતબાહદુરસિંહને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હતી. જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર અને જેતપુર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ખાનગી હકિકત તથા ટેકનીકલ રીતે આરોપી રાકેશસીંહ ઉર્ફે દિલપ ફતેબાહદુરસિંહને જેતપુર, ધોજાઘાર, હનુમાન મંદિર પાસેથી મર્ડરના ગુનામાં કાતર સાથે ગણતરીના કલાકોમાં પકડી ગુનાનો ભેદ ઉકેલી હત્યારાની ધરપકડ કરી હતી.


આ અંગે ની કામગીરીમાં જેતપુર સીટી પીઆઇ એ.ડી.પરમાર, પીએસઆઇ જે.પી.મલ્હોત્રા, એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા, મિલનસિંહ ડોડીયા, રવજીભાઇ હાપલીયા, સાગરભાઈ મકવાણા, જીતેન્દ્રભાઇ મકવાણા, વિરેન્દ્રસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા,અમીતભાઇ સિધ્ધપરા,લાખુભા રાઠૌડ, શક્તિસિંહ ઝાલા,પ્રદિપભાઇ આગરીયા,લાલજીભાઇ સરકડીયા, મચ્છાભાઇ શીરોળીયા,રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application