BREAKING NEWS

રાજકોટમાં એક્ટિવા ઉપર ટ્રક ચડાવી દઈ પત્ની, પુત્ર, પ્રેમીના ત્રિપલ મર્ડરમાં પતિને આજીવન કેદ

  • April 22, 2026 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલા રામવન પાસે ત્રિપલસવારી સ્કૂટરને ઠોકરે ચડાવી સ્કૂટરસવાર પત્ની, પુત્ર અને પત્નીના પ્રેમીના મોતને ઘાટ ઉતારવાના અઢી વર્ષ પહેલાના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.


આ કેસની હકીકત મુજબ, ગઇ તા. 22/ 10/ 2023ના રોજ બનેલા આ બનાવ અંગે ફરિયાદી હિતેશ રામજીભાઈ વરુ (રહે. ભુવનેશ્વરી સોસાયટી શેરી નંબર 1)ની ફરિયાદની હકીકત મુજબ, આરોપી પ્રવીણ ઉર્ફે કનુભાઈ વાલજીભાઈ દાફડા (ઉં.વ. 45 રહે. રૈયાધાર, ઇન્દિરાનગર શેરી નંબર 2, ખોડીયાર દુકાનની પાસે રાજકોટ)ની પત્ની પારુલબેનને ફરિયાદીના ભાઈ નવનીત સાથે પ્રેમસંબંધ હોય જેથી પારુલબેન તથા તેમનો દીકરો પ્રદીપ (ઉ.વ. ૧૦) બંને નવનીત રામજીભાઈ મારુ સાથે રહેતા હોય, જેથી પ્રવીણ ઉર્ફે કનુભાઈ દાફડાને તેની પત્ની પારુલનો નવનીત સાથેનો પ્રેમ સંબંધ કબુલ મંજૂર ન હોય જેનો ખાર રાખી પ્રવીણ દાફડાએ પોતાના હસ્તકનો ટ્રક નં. જીજે 03/ બીડબલ્યુ/ 9075 એક્ટિવા ઉપર નીકળેલા નવનીત, તથા પારુલબેન તથા તેમનો દીકરો પ્રદીપ ત્રણેયને કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફ રામવનની સામે હાઈવે પર જાનથી મારી નાખવાના ઇરાદે એક્ટિવાની માથે પાછળથી ટ્રક ચડાવી દઈ ૧૦ થી ૧૫ ફૂટ સુધી રોડ ઉપર ઢસડીને નવનીતભાઈ તથા પારુલ બેનને તથા તેના દીકરા પ્રદીપના માથાના ભાગે ચડાવી દઈ માથાના ભાગમાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચાડી ત્રણેયની (ત્રીપલ મર્ડર) હત્યા કરી નાખી હોવાનું ફરિયાદમાં જણાવતા, આ કામમાં આજીડેમ પોલીસે ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ આરોપી પ્રવીણ દાફડા પર આઈપીસી કલમ 302 મુજબનું ચાર્જશીટ મુક્યું હતું. બાદ કેસ ચાલવા ઉપર આવતા આ કામમાં 17 સાહેદોને તપાસવામાં આવેલા, ફરિયાદીએ કોર્ટ સમક્ષ ફરિયાદ મુજબ જ જૂબાનીમાં "હું જ્યારે હોસ્પિટલ પહોંચેલ ત્યારે મારો ભાઈ સારવાર હેઠળ હતો, અને ભાનમાં હતો, મેં તેને પૂછેલ કે શું થયેલ, તો મારા ભાઈએ મને જણાવેલ કે પ્રવીણ દાફડાએ અમારી ઉપર ટ્રક ચડાવી દીધેલ." 


આ કેસમાં મરણપથારીએ રહેલ વ્યકિતએ જે હકીકત જણાવેલ તે ઓરલ ડીડી તરીકે ટ્રીટ કરી શકાય અને મરનાર વ્યક્તિ ખોટું ન બોલે તે મતલબની સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.જે. કાયસ્થે આ ત્રીપલ મર્ડર ગુનાને ગંભીર ગણાવી આરોપી પ્રવીણ દાફડાને આઇપીસી કલમ 302 મુજબ તકસીરવાર ઠરાવી આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ બીનલબેન અશોકભાઈ રવેશીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application