ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી કોલંબો ટેસ્ટ મેચના 3જા દિવસે મેજબાન શ્રીલંકાની ટીમે શાનદાર વાપસી કરી છે. સોનલ દીનુશા અને પસિંદુ સૂરિયાબંદારાની શાનદાર અર્ધસદીઓની મદદથી શ્રીલંકાની ટીમ ફોલોઓન બચાવવાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. ભારતીય બોલરોએ શરૂઆતમાં વિકેટો ઝડપીને દબાણ બનાવ્યું હતું, પરંતુ શ્રીલંકાના નીચલા ક્રમના બેટ્સમેનોએ ભારતીય ટીમની ચિંતા વધારી દીધી હતી. 3જા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં શ્રીલંકાએ 8 વિકેટના નુકસાને 265 રન બનાવી લીધા છે.
મેચના 2જા દિવસે શ્રીલંકાએ માત્ર 8 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. 3જા દિવસે રમત શરૂ થતાં જ ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઓપનર સાબિલ મિશારાને 19 રનના સ્કોર પર આઉટ કરીને શ્રીલંકાને 35 રનમાં 3જો ઝટકો આપ્યો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પસિંદુ સૂરિયાબંદારા અને કમિન્દુ મેન્ડિસે મોરચો સંભાળ્યો હતો અને 4થી વિકેટ માટે 87 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ મેન્ડિસને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી, જ્યારે કેપ્ટન ધનંજય ડી સિલ્વા માત્ર 8 રન બનાવી માનવ સુથારનો શિકાર બન્યો હતો.
પ્રથમ ટેસ્ટમાં કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે ડેબ્યૂ કરનાર પસિંદુ સૂરિયાબંદારાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 133 બોલમાં 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેને અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે ધારદાર બોલિંગ કરતા 3-3 વિકેટ ઝડપી હતી. એક સમયે શ્રીલંકાએ 173 રનમાં પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગી રહ્યું હતું કે ટીમ વહેલી ઓલઆઉટ થઈ જશે, પરંતુ સોનલ દીનુશાએ ટીમ માટે સંકટમોચકની ભૂમિકા ભજવી હતી.
પ્રથમ ટેસ્ટમાં સદી અને 84 રન બનાવનાર સોનલ દીનુશાએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું હતું. તેણે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે મળીને મહત્વપૂર્ણ રન જોડ્યા હતા. 3જા દિવસના અંતે સોનલ 85 રન બનાવી અણનમ રહ્યો છે. નીચલા ક્રમના બેટ્સમેન કેશારા નુવંતાએ 74 બોલ અને લહિત કુમારાએ 50 બોલ રમીને ભારતીય બોલરોને ખૂબ હેરાન કર્યા હતા. શ્રીલંકાને ફોલોઓન બચાવવા માટે 304 રનની જરૂર છે અને ટીમ હવે માત્ર 39 રન દૂર છે. 4થા દિવસે સોનલ આ ફોર્મ જાળવી રાખીને ટીમને ફોલોઓનથી બચાવવા મેદાનમાં ઉતરશે.