BREAKING NEWS

રાજકોટમાં ભાજપ બંક્ષીપંચ મોરચાના પ્રમુખના ઇશારે ઇસરોના અધિકારી-પરિવાર પર હુમલો

  • May 21, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુ માટીયા ઈશારે ટોળકીએ ધોળા દિવસે ઇસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરીવારની કારને આંતરી હુમલો કરતાં બે મહિલા સહિત ત્રણને ઇજા પહોંચી હતી. જે અંગે કુવાડવા પોલીસ મથકમાં ૧૦ શખસો સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલ ગોપાલક સોસાયટીમાં રહેતાં ધવલભાઈ જીતુભાઇ ભરવાડ (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રવીણ ઉર્ફે પીન્ટુ વિનોદ માટીયા અને રવિ માટીયા તેમજ અજાણ્યા આઠ શખસોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ ઇસરોમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા અને બે ભાઈઓ તથા બે બહેનો છે. ફરિયાદીના મોટાભાઈ દેવલભાઈ જે ઇન્ટિરીયર ડિઝાઇનરનુ કામ કરે છે અને તેના લગ્ન તા. ૨૭/૧૧/૨૦૨૩ ના રોજ રાજકોટના રહેવાસી કમલેશભાઈ માટીયા ભરવાડની દીકરી ઝરણાબેન સાથે થયા છે, ભાભી ઝરણાબેનને લ ભાઈ સાથે મન દુઃખ થતા છેલ્લા ૧૧ મહિનાથી રાજકોટ તેના પિયરમાં રહે છે.


ભાભી ઝરણાબેને ગઈ તા.૦૩/૦૪/૨૦૨૬ ના રોજ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ભાઈ તથા પરિવાર વિરુદ્ધમાં અરજી આપી હતી જેમાં તેઓ નિવેદન આપી ગયેલ હતા. બાદમાં ગઈ તા.૧૫/૦૫ ના ભાભી ઝરણાબેને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પરીવાર વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવી હતી, જે ફરિયાદ અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી તેમજ મોટા ભાઈ દેવલભાઈ તથા બંને બહેનો વિરલબેન, રીમાબેન અને તેમના પત્ની નેન્સીબેન મહિલા પોલીસ સ્ટેશને આવ્યા હતા.


મહિલા પોલીસ સ્ટેશન ખાતે જરૂરી કાર્યવાહી કરી જામીન આપી પરત અમદાવાદ ખાતે જવા માટે ગાડી નં.જીજે -01-ડબલ્યુએસ-3171 ગાડીમાં તે અને તેમના બંને બહેનો મહિલા પોલીસ સ્ટેશનથી નીકળીને જામનગર બાયપાસ રોડ ઉપર પટેલ વિહારમાં જમવા ગયેલ હતા. બીજી ગાડીમાં મોટાભાઈ દેવલભાઈ, મામા તથા એડવોકેટ હતા.


બાદમાં બપોરના પોણા ત્રણેક વાગ્યે જમીને અમદાવાદ તરફ જવા રવાના થયેલ અને મોટાભાઈ દેવલભાઈ તેની ગાડી નં. જીજે-01-ડબલ્યુપી -3525 લઈને ફરીયાદીની ગાડીથી થોડેક આગળ નીકળી ગયેલ હતા. તેની પાછળ તેઓની ગાડી હતી. જામનગર બાયપાસ રોડ ઉપર સોખડા ચોકડીથી આગળ માલીયાસણ જવા રસ્તે રોડ ઉપર હતા ત્યારે અચાનક બે કાર ગાડીની પાછળ આવેલ તેમજ બે કાર ગાડીની આગળ આવેલ અને ગાડીને ઘેરી લેતા ગાડી ઉભી રાખી દીધેલ હતી.


ચારેય કારમાંથી મોટાભાઈના સાળા પ્રવીણ ઉર્ફે પીન્ટુ વિનોદ માટીયા અને રવિ માટીયા તથા બીજા અજાણ્યા આઠેક શખ્સો હાથમાં લાકડાના ધોકા, લોખંડનો સળીયો તેમજ પથ્થર લઈને ઘસી આવી ગાડીને ચારે બાજુથી ઘેરી લઈ ગાડી ઉપર ધોકા તેમજ પથ્થરથી ગાડીના કાચ તોડી નાખી અને રૂમાલ બાંધેલ માણસે લાકડાનો ધોકો માથામાં મારવા જતા હાથ આડો રાખતા હાથે ઇજા થયેલ તેમજ નાક, કાનના પાછળના ભાગે તથા પીઠ ઉપર લાકડાના ધોકા મારતા ઈજા થયેલ હતી. તેમજ બેન વિરલબેનને પ્રવીણ ઉર્ફે પીન્ટુએ લોખંડનો સળીયો મારતા તેને આંખના ભાગે ઇજા થયેલ હતી. તેમજ રીમાબેનને રવિ માટીયાએ ધોકાથી હાથ, માથામાં તથા ખંભા ઉપર ફટકારી વાળ ખેંચીને માર માર્યો હતો. રવિ માટીયાએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.


ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના ભાભી ઝરણાબેન મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરિયાદ કરેલ હોય જે ફરિયાદના તપાસના કામે મહિલા પોલીસ સ્ટેશન ખાતે રજૂ થયેલ જેમાં જામીન મળી જતા જેનું મન દુઃખ રાખી મોટા ભાઈના મોટા સસરા બાબુભાઈ માટીયા તથા મોટાભાઈના સસરા કમલેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ માટીયાના કહેવાથી આરોપીઓએ હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application