સુરતના જાણીતા ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર આજે વહેલી સવારથી આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ડાયમંડ, શિક્ષણ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા અનેક ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 150થી વધુ અધિકારીઓ જોડાયા છે.
આવકવેરા વિભાગની ટીમોએ સુરત, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલા લક્ષ્મી ગ્રુપના ઓફિસ, કારખાના, રહેણાંક મકાનો અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પર તપાસ શરૂ કરી છે. સાથે જ અનિલ બગદાણા તથા તેમના ભાગીદારો તરુણ ભગત અને પ્રવિણ ભૂતના વ્યાવસાયિક સ્થળો અને રહેણાંક મકાનો પર પણ સર્ચ ચાલી રહ્યું છે. આ વ્યાપક કાર્યવાહીથી સુરતના વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, આ ઓપરેશન માટે આવકવેરા વિભાગે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે તૈયારી કરી હતી. વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળોએ પહોંચી દસ્તાવેજો, ડિજિટલ ડેટા
અને નાણાકીય લેવડદેવડની તપાસ શરૂ કરી દીધી હતી. તપાસનું મુખ્ય કેન્દ્ર લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટા સોદાઓ છે. ડીડીઆઈ વિંગ પાસે ગ્રુપના રિયલ એસ્ટેટ વ્યવહારો અંગે ચોક્કસ બાતમી હોવાના આધારે હાલ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા લેટેસ્ટ હવાલા નેટવર્ક સાથે સંકળાયેલા સંભવિત જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગજેરા પરિવારના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા, ચિનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમના આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ દરોડાને પગલે રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. ધીરુ ગજેરા તેમના રાજકીય ક્ષેત્ર માટે પણ જાણીતા છે. તેઓ અગાઉ ભાજપમાં રહ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં ફરી ભાજપમાં પરત ફર્યા હતા. તાજેતરમાં તેઓ સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને કામગીરી સામે આડકતરી ટિપ્પણીઓ કરતા હોવાને કારણે ચર્ચામાં રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં આઈટી વિભાગની કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.