મની લોન્ડરિંગને લઈ દેશભરમાં ઇન્કમ ટેક્સ (આઈટી) વિભાગે લાલ આંખ કરી છે. આઈટી વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ દેશભરમાં એકસાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ મેગા દરોડા અંતર્ગત દેશની રાજધાની દિલ્હી તેમજ ગુજરાતના મુખ્ય વેપારી મથકો એવા રાજકોટ, અમદાવાદ, મોરબી, ગાંધીધામ અને મુંદ્રા જેવા મહત્વના શહેરોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મેગા સર્ચ ઓપરેશન પાછળનું મુખ્ય કનેક્શન ગાંધીધામ અને મુંદ્રામાં મની લોન્ડરિંગને લઈ હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ અલવરમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થળોના નામોને લઈ ભયંકર સસ્પેન્સ સર્જાતા વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે ચર્ચા જાગી છે.
અમદાવાદમાં એક જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટની આવકવેરાની ટીમો અન્ય શહેરોમાં સર્ચ ઓપેરશન કરી રહી છે. ગાંધીધામ અને મુંદ્રામાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં 15 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ગાંધીધામ અને મુંદ્રાનું કનેક્શન દિલ્હી અને અલવરમાં પણ ખુલતા ત્યાં ઈન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે.
આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહીને અત્યંત ગુપ્ત અને મોટા પાયે પાર પાડવામાં આવી રહી છે. સ્થળોના નામોને લઈ ભયંકર ગુપ્તતા જાળવી રાખી છે. મની લોન્ડરિંગના પુરાવાઓને આધારે ૧૫૦થી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો આ સર્ચ ઓપરેશનમાં જોડાયેલી છે. સુઆયોજિત રીતે એકસાથે પાડવામાં આવેલા આ દરોડાને કારણે કરચોરોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર સમાન રાજકોટમાં આઈટી વિભાગની ટીમો તૂટી પડી છે. રાજકોટ શહેરમાં શંકાસ્પદ વિદેશી ફંડ અને રોકાણ સાથે જોડાયેલાને ત્યાં દસ જેટલા સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. સ્થાનિક સ્તરે વહેલી સવારથી શરૂ થયેલી આ મોટી કાર્યવાહીને પગલે રાજકોટના સ્થાનિક વેપારી આલમ અને ઉદ્યોગ જગતમાં ભારે ફફડાટ અને હડકંપ મચી ગયો છે.
મની લોન્ડરિંગની સાથોસાથ વિદેશથી આવતા ફંડ અને વિદેશી રોકાણના બહાને આચરવામાં આવતી કરોડો રૂપિયાની ટેક્સચોરી પર સકંજો કસવા માટે આ કાર્યવાહી કરાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આઈટી વિભાગની ટીમો દ્વારા દરોડા દરમિયાન ડિજિટલ ડેટા, બેંક એકાઉન્ટ્સ, હિસાબી ચોપડા અને મહત્ત્વના દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને કરચોરીના મોટા કૌભાંડો બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
રાજસ્થાનના અજમેરમાં નાગફણી સંજય નગર વિસ્તારમાં પણ આવકવેરા અને જીએસટીની ટીમ તારાચંદ નોગિયાના ઘરે પહોંચી છે. દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનના આવકવેરા અધિકારીઓ ત્રાટક્યા છે. જોવાનું એ રહ્યું કે આમાં કોઈ મોટા માથાનું નામ સામે આવે છે કે નહીં.
ગાંધીધામમાં બે શિપવાળાને ત્યાં દરોડા
ગાંધીધામમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના બે શિપના ધંધા સાથે સંકળાયેલાના સ્થળો પર આવકવેરા વિભાગની ટીમોએ એકસાથે દરોડા પાડતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર કાર્યવાહી મુંબઈ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ઓપરેશનમાં સ્થાનિક આવકવેરા અધિકારીઓને પણ મદદ માટે સામેલ કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને અન્ય મહત્વપૂર્ણ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં વાપી-વલસાડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
રાજકોટમાં 10 જગ્યાએ ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તેમાં વાપી અને વલસાડની ટીમો તપાસમાં જોડાઈ છે. સર્ચ ઓપરેશનના સ્થળોના નામ એટલી હદ ગુપ્ત રાખવામાં આવ્યા છે કે કોઈને જાણ સુદ્ધા થવા દીધી નથી. હાલ તો રાજકોટમાં વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.