આવકવેરા વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનામાં ૧૫ દિવસમાં બીજી વખત કચ્છના ધંધાર્થીઓને ત્યાં આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ આવકવેરા વિભાગની ટીમના નેતૃત્વ હેઠળ રાજકોટ સહિતના શહેરોના અધિકારીઓ દ્વારા ખાસ કરીને ગાંધીધામ અને અંજાર સહિતના શહેરોમાં કાર્બન સ્ટીલ પાઈપનું ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ કરતી માન ઈન્ડસ્ટ્રીઝના પ્લાન્ટથી શરૂ કરીને કચ્છમાં આવેલા કંપનીના ૨૫થી વધુ સ્થળો પર છેલ્લા પાંચ દિવસથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અંદાજે ૧૫ વાહનો સાથે અધિકારીઓની ટીમો કચ્છના વિવિધ સ્થળો પર ફરીનેકંપનીના પ્લાન્ટ, ઓફિસ અને માલિકો અને ભાગીદારોના ઘરો પર ત્રાટકી અને ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ૧૨ ડિસેમ્બરથી ઓપરેશન શરૂ થયું છે. ત્યારે પાંચ દિવસની તપાસ બાદ ત્યાંથી બહોળા પ્રમાણમાં ડિજિટલ અને ફિઝિકલ હિસાબી સાહિત્ય જમ કરવામાં આવ્યું છે. મુખ્ય ઓપરેશન કચ્છના ગાંધીધામમાં આવેલી માન + ઈન્ડસ્ટ્રીઝના પ્લાન્ટ થી શરૂ થયું છે. જેના છેડા અનેક સ્થળો સુધી પહોંચતા અધિકારીઓની ટીમો દ્વારા વિવિધ દિશામાં અલગ-અલગ ટીમોની ગાડી ઘેડાવી અને તપાસ હાથ ધરવામાં આવી છે. માન ઈન્ડસ્ટ્રી કાર્બન સ્ટીલ પાઈપના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલી છે, અને દેશભરમાં અનેક સ્થળો પર ટ્રાન્સપોર્ટ કરી રહી છે.
આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા કંપનીના દસ્તાવેજો, હિસાબી ચોપડા તથા અન્ય નાણાકીય વ્યવહારોની બારીકાઈથી કંપનીના માલિકો તથા ભાગીદારોની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આવકવેરાના અધિકારીઓ દ્વારા કચ્છના વિવિધ સ્થળો પરથી હિસાબી સાહિત્યને જપ્ત કરી અને બિન હિસાબી નાણાકીય વ્યવહારોનો તાળો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ દરોડાના તાર અન્ય કોઈ દરોડા સાથે જોડાયેલા હોવાની સૂત્રોમાં ચર્ચા થઈ રહી છે.
તેમજ અહીંથી કરોડોનું કાળું નાણું બહાર આવે તેવી સંભાવના હોવાથી આગામી દિવસોમાં આવકવેરા વિભાગ કેટલો આંકડો જાહેર કરે અને કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું. જોકે આવકવેરા વિભાગના દરોડા ના કારણે આસપાસના પ્લાન્ટ અને ફેક્ટરીઓના માલિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.