BREAKING NEWS

પ્રોડક્ટના પેકેટ પર ખોટા દાવા કરશો તો ઉત્પાદન બજારમાંથી હટાવવા પડશે

  • November 18, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બજારમાં મળતી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ, કોસ્મેટિક્સ અને અન્ય ગ્રાહક ઉત્પાદનોનાં પેકેટ પર કંપ્નીઓ દ્વારા કરવામાં આવતા મોટા-મોટા દાવાઓની હવે સરકાર કડક તપાસ કરવાની તૈયારી કરી રહી છે. મેંદા ફ્રી બ્રેડ, 100 ટકા હોલ વ્હીટ, નો એડેડ શુગર અને પિમ્પલ ફ્રી જેવા દાવાઓ ખરેખર કેટલા સાચા છે અને કંપ્નીઓ તેની સાબિતી આપી શકે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.



કેન્દ્રીય ગ્રાહક બાબતોનું મંત્રાલય પ્રોડક્ટ્સ પર છાપવામાં આવતા ટ્રેડમાર્ક અને પેકેટના આગળના ભાગમાં કરવામાં આવતા દાવાઓની તપાસ માટે નવી વ્યવસ્થા તૈયાર કરી રહ્યું છે. 
આ તપાસ ખાદ્ય પદાર્થો, કોસ્મેટિક્સ સહિત અન્ય ગ્રાહક ઉત્પાદનોને આવરી લેશે. આ મામલાથી પરિચિત ત્રણ વ્યક્તિઓના જણાવ્યા અનુસાર, જો કંપ્નીઓ પોતાના દાવાઓને સમર્થન આપતા વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.



સરકારની આ દરખાસ્તનો હેતુ ગ્રાહકોને ઉત્પાદનો વિશે સાચી અને ભ્રામકતા વિનાની માહિતી મળે તે સુનિશ્ચિત કરવાનો છે. કંપ્નીઓએ પેકેટ પર કરવામાં આવતા દરેક મહત્ત્વપૂર્ણ દાવા પાછળ યોગ્ય આધાર અને વિશ્વસનીય પુરાવા રાખવા પડી શકે છે.
જો કોઈ ઉત્પાદન પર કરવામાં આવેલા દાવા પુરાવા વગરના અથવા ભ્રામક જણાશે તો સંબંધિત કંપ્ની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સાથે ઉત્પાદનને બજારમાંથી હટાવવાની ભલામણ પણ થઈ શકે છે.


સરકારની આ સંભવિત કાર્યવાહીથી એફએમસીજી, ફૂડ અને કોસ્મેટિક્સ ક્ષેત્રની કંપ્નીઓએ પોતાના ઉત્પાદનોનાં પેકેજિંગ અને જાહેરાતોમાં કરવામાં આવતા દાવાઓ અંગે વધુ સાવચેતી રાખવી પડશે. કંપ્નીઓ માટે નિયમોનું પાલન અને દાવાઓની ખરાઈ કરાવવાની જવાબદારી પણ વધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application