રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીએ કારમાં સીએનજી કિટનું આરટીઓમાં રજિસ્ટ્રેશન નહી હોવાનું જણાવી, એકાએક આગમાં ટોટલ લોસ થયેલી સીએનજી કારના નામંજુર કરેલા ક્લેઇમ પેટે ખર્ચ સહિત ₹ 7,00,000 ચૂકવી દેવા ગ્રાહક તકરાર નિવારણ આયોગે વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટના નિલેશભાઈ મનસુખભાઈ મોરના ડ્રાઈવર દિપકભાઈ સોલંકી તેમના હવાલાવાળી સ્વિફટ કાર લઈને તા.૦૩/ ૦૨/ ૨૦૨૪ના રોજ અમદાવાદથી જુનાગઢ જતા હતા, ત્યારે લીંબડીથી બગોદરા વચ્ચે પાણશીણાના પાટીયા પાસે અચાનક કારની પાછળની બાજુએથી સળગી ઊઠતા કાર રોકીને ચાલકે લીંબડી ફાયરબ્રિગેડમાં જાણ કરેલ અને ત્યારબાદ લીંબડી પોલીસ સ્ટેશનમાં બનાવ અંગેની જાણ કરેલ હતી. દરમિયાન ઉપરોકત કાર સંપુર્ણપણે સળગી જતા ટોટલ લોસ નુકશાની થયેલ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સ્થાનીક જગ્યાનું પંચનામુ તેમજ ડાયરેકટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ગાંધીનગરની ટીમ દ્વારા સ્થળ પરીક્ષણ અહેવાલ તૈયાર કરી અને આગળની તપાસ કરવામાં આવેલ હતી. દરમિયાન કાર માલિક દિનેશભાઈ મોરે વાહનની પોલિસી કોમર્શીયલ વ્હીકલ પેકેજ પોલિસી લેવામાં આવેલ હતી અને તેમાં બેઝીક ઓડીનું પ્રિમીયમ લેવામાં આવેલ હતું અને તે મુજબ તેમાં ટોટલ આઇડીવી રૂા. ૬,૧૫,૦૦૦/- સુધીનું જોખમ કવર હતું અને કારમાં કોઈ પણ કારણોસર ટોટલ લોસ થાય તો તે મુજબ રૂા. ૬,૧૫,૦૦૦/- ચુકવવા વીમાકંપની માં કલેઈમ નોંધાવવામાં આવેલ. પરંતુ વીમા કંપનીએ 'કારમાં સીએનજી ગેસ કિટ ફિટ કરેલ હોવા બાબતે આરટીઓમાં રજિસ્ટ્રેશન કરવામાં આવેલ ન હોવાનું જણાવી કલેઈમ નામંજુર કર્યો હતો.
આથી કાર માલિક દિનેશભાઈ મોરે સદરહું કલેઈમ નામંજુર થયા બાબતે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સામે કલેઈમ દાખલ કર્યો હતો.
જેમાં અરજદાર તરફે એડવોકેટ અજય કે. જોષી તથા પ્રદીપ આર. પરમારે જે કારણ આગળ ધરીને વીમાકંપનીએ કલેઈમ નામંજુર કરેલ છે તેવો કોઈ ઠોસ પુરાવો વીમાકંપની પુરવાર કરી શકેલ નથી. તેવી અરજદાર વતી દલીલો કરવામાં આવેલ અને વિવિધ સ્ટેટ કમીશન તેમજ નેશનલ કમિશનના ચુકાદાઓ રજુ રાખેલ તે ધ્યાને લઈને રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગેદ્વારા ફરીયાદીની ફરીયાદ મંજુર કરી ક્લેઇમ મુજબની મુજબની રકમ રૂા. ૬.૧૫ લાખ ૬% વ્યાજ તેમજ ખર્ચ સાથે ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે. આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ અજય કે. જોષી, પ્રદીપ આર. પરમાર, રવિ વેકરીયા, વિશાલ દક્ષિણી, કિશન માંડલીયા, અક્ષય સાંકળીયા, દુર્ગેશ જોષી, મદદનીશ રીધ્ધી શ્રીમાળી રોકાયા હતા.