રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબ પર ફડાકો મારનાર ચકચારી કેસમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આકરું વહીવટી પગલું ભરવામાં આવ્યું છે. હોસ્પિટલ પરિસરમાં ઉદ્ભવેલા ભારે વિરોધ અને તબીબોની હડતાલ વચ્ચે રાજ્ય સરકારે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સખત એક્શન લીધા છે.
જુનિયર તબીબ સાથે અસભ્ય વર્તન કરીને ફડાકા મારવાના ગંભીર આક્ષેપનો સામનો કરી રહેલા સિનિયર તબીબ ડૉ. અશ્વિન રામાણીની રાજકોટથી દૂર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર હિતમાં એક મહત્વપૂર્ણ બદલીનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. વિભાગના અધિસૂચના ક્રમાંક GHS/142026/1350/T1 મુજબ, રાજકોટની આર.ઝેડ. હોસ્પિટલ (પી.ડી.યુ. હોસ્પિટલ)ના તબીબી અધિકારી (વર્ગ-૨) ડો. અશ્વિન વી. રામાણીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સિનિયર ડોક્ટર અશ્વિન રામાણીએ જુનિયર મહિલા ડોક્ટરને વીડિયો બનાવતા સમયે લાફો ઝીંકી દીધો હતો. સિનિયર અને જુનિયર ડોક્ટરો વચ્ચે અંદરોઅંદરની બોલાચાલી અને મારામારીના આક્ષેપોની ઘટના હજૂ એક દિવસ પહેલા સામે આવી હતી.
બદલી અને નિમણૂકની વિગતો
નવું નિયુક્તિ સ્થળ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) – વાવકુંડલી, તાલુકો: ઘોઘંબા, જિલ્લો: પંચમહાલ.
હાજર થવાના નિર્દેશો: ડો. રામાણીને જિલ્લા પંચાયત – ગોધરા (જિલ્લો: પંચમહાલ)ના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ હાજર થઈને મૂવમેન્ટ આદેશ મેળવવા અને તાત્કાલિક અસરથી નવી ફરજ પર હાજર થવા સુચના આપવામાં આવી છે.
આ આદેશ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ઉપ સચિવ વિપુલ રાઠવા દ્વારા તારીખ ૨૧/૦૮/૨૦૨૬ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતેથી જારી કરવામાં આવ્યો છે.