ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતભર્યા સમાચાર આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો 2015 અંતર્ગત એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ સુધારા મુજબ રાજ્યની ત્રણ મુખ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સેન્ટર્સને પણ હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવામાં આવશે.
કઈ હોસ્પિટલોના સેન્ટર્સને મળશે દરજ્જો?
રાજ્ય સરકારના તાજેતરના ઠરાવ મુજબ નીચેની સંસ્થાઓના હાલના અને ભવિષ્યમાં શરૂ થનારા સેન્ટર્સને સરકારી હોસ્પિટલ ગણવામાં આવશે.
યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (અમદાવાદ)
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ - એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ (અમદાવાદ)
શું થશે ફાયદો?
અત્યાર સુધી આ મુખ્ય હોસ્પિટલો (અમદાવાદ) જ સરકારી સમકક્ષ ગણાતી હતી, પરંતુ હવે તેમના દ્વારા રાજ્યમાં અન્ય જગ્યાએ શરૂ કરાયેલા કે ભવિષ્યમાં શરૂ થનારા હોસ્પિટલ સેન્ટર્સને પણ આ યાદીમાં સમાવી લેવાયા છે. આ નિર્ણયને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ આ હોસ્પિટલોમાં મેળવેલી સારવારના બિલ કોઈપણ નાણાકીય મર્યાદા વિના મંજૂર થઈ શકશે.
બિલની ચુકવણી માટે ઉપાડ અને વહેંચણી અધિકારી (DDO/તિજોરી અધિકારી) ને સીધી સત્તા આપવામાં આવી છે, જેથી કર્મચારીઓએ ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડશે નહીં.

નિયમોમાં સુધારો
સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હવે રાજ્યભરમાં ફેલાયેલા આ સંસ્થાઓના સેન્ટર્સમાં સારવાર લેવી સરળ બનશે. સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગની મંજૂરી બાદ આ અંગેનો વિધિવત ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ સુધારાથી ખાસ કરીને ગંભીર બીમારીઓ જેવી કે હૃદયરોગ, કેન્સર અને કિડનીની સારવાર લેતા પરિવારોને આર્થિક મોટી રાહત મળશે.