રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે આયોજિત રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેઓની પત્રકાર પરિષદમાં તેમણે દેશની રોજગારી, પરપ્રાંતીય શ્રમિકોની સ્થિતિ અને પશ્ચિમ એશિયાના તણાવના કારણે ઊભી થયેલી પેટ્રોલ-ડીઝલની વૈશ્વિક કટોકટી અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જનતાને અપીલ કરી છે કે વર્તમાન પરિસ્થિતિને લઈને બજારમાં ખોટી અફવાઓ કે ગભરાટ ફેલાવવાની કોઈ જરૂર નથી.
દેશમાં ૩ કરોડ રોજગાર સર્જનનું લક્ષ્ય, ઉદ્યોગકારો સાથે સંવાદ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે કટિબદ્ધ છે અને આ અંતર્ગત દેશભરમાં ૩ કરોડ નવી રોજગારીની તકોનું સર્જન કરવા માટેની યોજનાઓ સક્રિય રીતે કાર્યરત છે. રાજકોટના સ્થાનિક અર્થતંત્ર અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, રાજકોટમાં હબ બનવાની ક્ષમતા છે અને અહીં રોજગાર માટે અનેક નવી તકો ઊભી થઈ રહી છે. આજના કાર્યક્રમમાં પણ ઉદ્યોગકારો સાથે ખાસ કરીને સ્કિલ (કૌશલ્ય) અને અદ્યતન ટેક્નોલોજીના સમન્વય સાથે નવી રોજગારી કેવી રીતે વધારવી તે અંગે સકારાત્મક સંવાદ થયો છે.
પરપ્રાંતીય મજૂરોના પલાયન પર કેન્દ્રીય મંત્રીનું મહત્વનું નિવેદન
શ્રમિકોને આશ્વાસન: વેસ્ટ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધની આડઅસરોના કારણે પરપ્રાંતીય મજૂરો વતન તરફ પરત ફરી રહ્યા હોવાના સવાલ અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, દેશભરના યુવાઓ અને ખાસ કરીને માઈગ્રન્ટ વર્કરો (પરપ્રાંતીય શ્રમિકો) પર સરકારની સીધી નજર છે. પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને કારણે ઉદ્યોગોમાં અસ્થાયી ચિંતા ભલે દેખાતી હોય, પરંતુ કોઈ પણ પરપ્રાંતીય મજૂરોએ ડરીને પોતાના વતન તરફ જવાની બિલકુલ જરૂર નથી; સરકાર તેમની સુરક્ષા અને આજીવિકા માટે કટિબદ્ધ છે.
‘હોર્મુઝ ખાડીમાં ૪૦% તેલ ફસાયું છે, પણ ભારત તરફ ગેસ-પેટ્રોલ આવી રહ્યું છે’
પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ અને વર્તમાન પરિસ્થિતિ ચોક્કસપણે એક વૈશ્વિક કટોકટી સમાન છે. આ યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ ખાડી) ની અંદર વિશ્વનું ૪૦ ટકા જેટલું ક્રૂડ ઓઈલ ફસાયેલું છે. આમ છતાં, ભારત આ વૈશ્વિક પડકાર સામે ખૂબ જ ચોકસાઈ અને મજબૂતીથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબતે વૈશ્વિક સ્તરે સતત કાર્યરત છે, જેના પરિણામે ભારત માટે જરૂરી ગેસ અને પેટ્રોલનો જથ્થો સુરક્ષિત રીતે દેશ તરફ આવી રહ્યો છે.
દેશહિતમાં તેલ બચાવવા મંત્રીની ખાસ અપીલ
પત્રકાર પરિષદના અંતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દેશના નાગરિકોને એક જવાબદાર વલણ અપનાવવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે, કટોકટીના આ સમયમાં ખોટું પેનિક ઊભું કરીને પેટ્રોલ પંપો પર ભીડ કરવાના બદલે આપણે સૌએ રાષ્ટ્રહિતમાં ઈંધણ (તેલ) નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને બચાવવા માટે સામૂહિક પ્રયાસો કરવા જોઈએ. ભારત સરકાર પાસે પૂરતી વૈકલ્પિક વ્યવસ્થાઓ હોવાથી નાગરિકોએ ચિંતા મુક્ત રહેવું જોઈએ.