ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર તાજ સાક્ષીના નિવેદન સિવાય અન્ય કોઈ મજબૂત અને સમર્થન આપતા પુરાવા ન હોય તો, ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 319 હેઠળ કોઈ નવી વ્યક્તિને આરોપી તરીકે કેસમાં જોડી શકાય નહીં. જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની અદાલતે રાજકોટના ચકચારી દિનેશ દક્ષિણી મર્ડર કેસના સંદર્ભમાં મૂળ ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી રિવિઝન અરજીને ગુણદોષના આધારે ફગાવી દીધી છે.
વર્ષ 2016માં રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના મેનેજર સમીર ગાંધી અને અન્યો સામે અપહરણ અને હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપ હતો કે કંપનીના લેણાંની વસૂલાત અર્થે ફરિયાદીના બનેવી દિનેશ દક્ષિણીનું બળજબરીપૂર્વક અપહરણ કરી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને ત્યાં તેમને જીવલેણ ઈજાઓ પહોંચાડવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું.
ટ્રાયલ દરમિયાન મુખ્ય આરોપીઓ પૈકીના એક સમીર ગાંધીએ તાજ સાક્ષી બનવા માટે અરજી કરી હતી, જેને સેશન્સ કોર્ટે મંજૂર રાખી હતી. તાજ સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપતી વખતે સમીર ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે કંપનીના માલિકો પૈકીના એક શ્યામ મધુકાંત શાહે પણ ભોગ બનનાર પર હુમલો કરવાની સૂચના આપી હતી. આ જુબાનીના આધારે મૂળ ફરિયાદી અશોકભાઈ કેવલરામ ઠક્કરે સેશન્સ કોર્ટમાં અરજી કરીને શ્યામ શાહને વધારાના આરોપી તરીકે કેસમાં જોડવા માંગ કરી હતી. રાજકોટ સેશન્સ કોર્ટે 1 માર્ચ 2024ના રોજ આ અરજી નામંજૂર કરી દીધી હતી, જેની સામે હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી હતી.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સામા પક્ષે એવી ટેકનિકલ દલીલ કરવામાં આવી હતી કે રિવિઝન અરજી પેન્ડિંગ હતી તે દરમિયાન સેશન્સ કોર્ટે મુખ્ય કેસનો ચુકાદો આપીને સહ-આરોપી સમીર મધુકાંત શાહને દોષિત ઠેરવી દીધો છે. તેથી ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે કલમ 319 હેઠળ કોઈને આરોપી તરીકે સમન્સ પાઠવી શકાય નહીં.
જોકે, જસ્ટિસ પ્રણવ ત્રિવેદીએ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓનો હવાલો આપીને આ ટેકનિકલ વાંધો ફગાવી દીધો હતો. હાઈકોર્ટે અવલોકન કર્યું કે જો નીચલી અદાલતે કલમ 319 હેઠળની અરજી ફગાવવામાં ભૂલ કરી હોય અને તે દરમિયાન ટ્રાયલ પૂરી થઈ જાય, તો પણ હાઈકોર્ટ તેની રિવિઝન સત્તાનો ઉપયોગ કરીને તે ભૂલ સુધારી શકે છે અને હાઈકોર્ટનો આદેશ નીચલી અદાલતના મૂળ આદેશની તારીખથી જ અમલી ગણાશે.
ટેકનિકલ બાબતે ફરિયાદીની તરફેણ કર્યા બાદ, હાઈકોર્ટે કેસના ગુણદોષ (મેરિટ્સ) તપાસ્યા હતા. અદાલતે નોંધ્યું કે કલમ 319 હેઠળ કોઈ વ્યક્તિને આરોપી તરીકે ત્યારે જ બોલાવી શકાય જ્યારે તેની સામે માત્ર શંકા નહિ પરંતુ એટલા મજબૂત પુરાવા હોય કે જો તે વણતૂટેલા રહે તો તેની સજા થઈ શકે. આ કેસમાં પ્રસ્તાવિત આરોપી શ્યામ શાહનું નામ એફઆઈઆર કે ચાર્જશીટમાં નહોતું અને તાજ સાક્ષીના પોલીસ સમક્ષના અગાઉના નિવેદનમાં પણ તેમનો સ્પષ્ટ ઉલ્લેખ નહોતો. માત્ર કોર્ટમાં અપાયેલી જુબાની સિવાય અન્ય કોઈ સ્વતંત્ર સમર્થન આપતો પુરાવો રેકોર્ડ પર નથી. માત્ર એપ્રૂવરના નિવેદનના આધારે કોઈને આરોપી ન બનાવી શકાય તેવા કાયદાકીય સિદ્ધાંતને ધ્યાને રાખી હાઈકોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને રિવિઝન અરજી રદ કરી છે.