જામનગરમાં જીએસટીના મેગા સર્ચમાં સાચી દીશામાં તપાસ થઇ રહી છે કે ઉંધા ચશ્મા પહેરાવામાં આવી રહ્યા છે તે સળગતા સવાલની સાથે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, રેકર્ડબ્રેક કૌંભાડની આશંકા વચ્ચે ૫ દિવસ બાદ પણ જીએસટીના સ્થાનિક તેમજ ઉચ્ચ અધિકારીઓ મગનું નામ મરી ન પાડતા દરરોજ નવા સવાલ ઉઠી રહ્યા છે. બીજી બાજુ સમગ્ર કૌંભાડના મુખ્ય સૂત્રધાર ગણાતા સીએ સુધી હજુ સુધી તંત્ર પહોંચી શક્યું નથી. આથી જીએસટી વિભાગના દરોડા અને તપાસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
ગુજરાતમાં જીએસટી એનફોર્સમેન્ટ વિભાગની અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ટીમોએ શુક્રવારે જામનગરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી સીએ,વકીલ, બિલ્ડર્સ અને બ્રાસના વ્યવસાય સાથે સંકળાયેલી ૨૫ પેઢીઓ પર દરોડા પાડયા હતાં. જેમાં શહેરના હીરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસિએટેડ નામની પેઢી ધરાવતા સીએ અલ્કેશ પેઢડીયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો અને વ્યવહારો કરી સંભવત: ૧૦૦ કરોડનું કૌંભાડ આચરવામાં આવ્યાનું ખૂલતા ભારે ચકચાર સાથે શહેરભરમાં ખળભાળટ મચી ગયો છે. તપાસ શ થતા જીએસટીના અધિકારીઓ વોરંટની બજવણી કરવા ઓફીસે પહોંચે તે પહેલા સીએ અલ્કેશ પેઢીને તાળા મારી નાસી ગયો હતો. આથી અધિકારીઓ દ્રારા ઓફીસ સીલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમુક પેઢીના માલિકોએ કબૂલ્યું કે તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વ્યવહારો કરવામાં આવતા હતા અને કેટલીક બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી. આથી જીએસટીના અધિકારીઓ દ્રારા સીએના અન્ય એકમો, ઘેર તથા ૨૫ જેટલી અન્ય પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આટલું જ નહીં ખોટા બીલ અને બોગસ પેઢીઓ બનાવી ઇનપુટ ટેકસ ક્રેડીટ અને મનીલોન્ડરીંગ તથા હવાલા રેકેટ પણ ચાલતું હોવાની આશંકા સૂત્રોએ વ્યકત કરી છે. ત્યારે મુખ્ય સૂત્રધાર ગણાતા સીએ અન્ય દેશમાં આશ્રય લીધાની ચર્ચાએ જોર પકડયું છે.
શહેરમાં જીએસટીનું મેગા સર્ચ ઓપરેશનને પાંચ દિવસ પૂર્ણ થયા છે. પાંચ-પાંચ દિવસની તપાસ બાદ પણ જીએસટી વિભાગ દ્રારા નકકર વિગતો જાહેર કરવામાં આવી નથી. આથી શું તપાસનીશ અધિકારીઓને કોઇ ચોકકસ કડી મળી નથી, સાચી દીશામાં તપાસ થઇ રહી છે કે લોકો તથા અધિકારીઓને ઉંધા ચશ્મા પહેરાવામાં આવી રહ્યા છે તે મુદો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. બીજી બાજુ કૌંભાડમાં યેનકેન પ્રકારે સંડોવાયેલા શખ્સોના નિવેદનનો દૌર હજુ પણ યથાવત રહ્યો છે. ખાસ કરીને બોગસ પેઢી અને ખોટા બીલ દ્રારા કરોડના આર્થિક વ્યવહારો કરી ૧૦૦ કરોડના શહેરના ઇતિહાસના સૌથી મોટા જીએસટી કૌંભાડની આશંકા વચ્ચે પાંચ-પાંચ દિવસ બાદ પણ જીએસટીના તપાસનીશ તથા ઉચ્ચ અધિકારીઓ મગનું નામ મરી ન પાડતા સાપે છંછુદર ગળ્યાની સ્થિતિ સર્જાઇ છે કે સમગ્ર કૌંભાડ પર પડદો પાડવાની પૈરવી તો ચાલી નથી રહી ને તે સહીતના સળગતા સવાલોની સાથે જીએસટી વિભાગની અત્યાર સુધીની મેગા સર્ચની કામગીરી શંકાના દાયરામાં આવી છે.