BREAKING NEWS

અમદાવાદમાં શાળામાં ગાળો બોલવાની ના પાડતા ધો.11નો વિદ્યાર્થી ભૂરાયો થયો, ત્રણ વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો

  • October 02, 2026 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા વર્ગખંડમાં અપશબ્દો અને ગાળો બોલવામાં આવી રહી હતી. આ બાબતે જ્યારે ત્રણ વિદ્યાર્થિનીઓએ તેને ગાળો બોલવાની ના પાડી અને અટકાવ્યો, ત્યારે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ શાળા છૂટ્યા પછી અદાવત રાખીને તે વિદ્યાર્થિનીઓ પર હુમલો કરી દીધો હતો અને તેમની સાથે મારામારી કરી હતી.

આ બનાવ બનતા જ આસપાસના સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીને પકડીને શાળાના સંચાલકોને સોંપ્યો હતો. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાપુનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ૧૬ વર્ષીય સગીર વિદ્યાર્થીના માતા-પિતાને રૂબરૂ બોલાવીને તેનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. આખરે વિદ્યાર્થી પાસે લેખિતમાં માફીપત્ર લખાવવામાં આવ્યું હતું અને શાળા તંત્ર દ્વારા કડક પગલાં લેતા તેને લિવિંગ સર્ટિફિકેટ આપીને શાળામાંથી કાયમ માટે કાઢી મૂકવામાં આવ્યો છે.

આ ઘટના બાદ શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને ડીઈઓ દ્વારા આ સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. શાળાકીય વાતાવરણમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી આવી હિંસક અને શિસ્તહીન પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવા વાલીઓમાં માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application