BREAKING NEWS

અમદાવાદમાં મયુર ડાયકેમ કેમિકલ ફેક્ટરી, ઓકેસન જ્વેલર્સ પર ઇન્કમટેક્સ ત્રાટક્યું, તેમના વેવાઈ પણ ઝપટે ચડ્યા

  • March 20, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં આજે વહેલી સવારથી ઈન્કમ ટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધરીને જાણીતા ઉદ્યોગપતિઓ અને વેપારી જૂથો પર દરોડા પાડ્યા છે. શહેરના નામાંકિત મયુર ડાયકેમ કેમિકલ ફેક્ટરી અને સી જી રોડ પર ઓકેસન જ્વેલર્સને નિશાન બનાવ્યું છે. તેની સાથે સંકળાયેલા ભાગીદારો તેમજ તેમના સગા-સંબંધીઓના વ્યવસાયિક અને રહેણાંક સ્થળો પર આઈટીની ટીમો ત્રાટકી છે. આ મેગા સર્ચ ઓપરેશનમાં કુલ ૨૦થી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મયૂર ડાયકેમ કેમિકલ ફેક્ટરીના માલિક મયૂર પટેલ અને તેમના ભાગીદાર સુજલ પટેલ મુખ્યત્વે આ તપાસના કેન્દ્રમાં છે. આ ઉપરાંત, તપાસનો રેલો તેમના વેવાઈ અને સી.જી. રોડ પર સ્થિત જાણીતા 'ઓકેસન જ્વેલર્સ'ના માલિક દેવર્ષિસ કામદાર સુધી પણ પહોંચ્યો છે. સોલામાં મયૂર પટેલ અને સુજલ પટેલના નિવાસસ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ વટવામાં મયુર ડાયકેમ કેમિકલ ફેક્ટરીના મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ઓફિસો પર ઇન્કમટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 


સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્કમ ટેક્સ વિભાગને આ ગ્રુપો દ્વારા ટેક્સ ચોરી કરવામાં આવી રહી હોવાની અને મોટાપાયે બેનામી નાણાકીય વ્યવહારો થતા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ દરોડામાં ઇન્કમટેક્સ વિભાગના મોટા પ્રમાણમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો કાફલો જોડાયેલો છે. પ્રાથમિક અંદાજ મુજબ, કેમિકલ અને જ્વેલરી વ્યવસાયમાં રોકડમાં થયેલા મોટા સોદાઓના પુરાવા મળી શકે છે.

એકસાથે ૨૦ સ્થળોએ થયેલી આ કાર્યવાહીને પગલે અમદાવાદના વેપારી અને ઉદ્યોગ જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને હીરા-ઝવેરાત અને કેમિકલ સેક્ટરમાં આ દરોડા ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં તમામ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બહારની વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આગામી ૨૪થી ૪૮ કલાક સુધી આ તપાસ ચાલુ રહે તેવી શક્યતા છે, જે બાદ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કેટલી રકમની કરચોરી પકડાઈ તેની જાહેરાત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application