રાજકોટ થી મુંબઈની મુસાફરી કરતા સૌરાષ્ટ્ર- કચ્છના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સમર શેડ્યુલ અંતર્ગત રાજકોટથી મુંબઈની વધુ એક ફ્લાઈટ સવારે
7 : 00 કલાકે ઉડાન ભરશે. એરપોર્ટ ઓથોરિટીએ સમર શેડ્યુલ અંતર્ગત મંજૂરી આપતા ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આગામી 29 માર્ચથી રાજકોટ-મુંબઈની સવારની ફ્લાઈટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.જેના કારણે રાજકોટ- મુંબઈ અને મુંબઈ-રાજકોટની એર કનેક્ટિવિટીમાં વધારો થતા કુલ ત્રણ ફ્લાઈટ ઉડાન ભરશે. જેનો સીધો લાભ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગોને થશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટ તથા દિલ્હીની વધુ એક ફ્લાઈટ ઉડાડવા માટે મંજૂરી માગવામાં આવી હતી. ત્યારે મુંબઈની ફ્લાઈટ માટે એરલાઇન્સને મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ સવારે 7 : 00 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી અને 8: 15 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ આજ ફ્લાઈટ પરત રાજકોટ એરપોર્ટ થી 8 : 35 વાગ્યે ઉડાન ભરી અને નવ 50 વાગ્યે મુંબઈ પહોંચી જશે. હાલમાં વિન્ટર શેડ્યુલમાં દરરોજ સવારે મુંબઈની બે ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. ત્યારે વધુ એક ફ્લાઈટ સમર શેડ્યુલમાં ઉમેરવાથી રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈની દૈનિક ત્રણ ફ્લાઈટ ઉડાન ભરશે. આમ, રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ માટેના એર કનેક્ટિવિટી વધારાથી સીધો લાભ વેપારીઓ અને ઉદ્યોગકારોને થશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ વેપાર ધંધા અર્થે રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક મુસાફરી કરતા હોય છે. જેથી તેઓ સવારની ફ્લાઈટમાં મુંબઈ રવાના થઈ અને એક દિવસમાં મીટીંગ શેડ્યુલ પૂર્ણ કરી અને પરત થતા હોય છે. ત્યારે મુંબઈની વધુ એક ફ્લાઇટ શરૂ થતા સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મોટો લાભ થશે. તેમજ એક દિવસમાં કામ ધંધા માટે અગર-જવર કરવા માટે સાંજ સુધીમાં પરત આવવું વધારે સરળ બનશે.