૨૦૨૬ની એશિયન ગેમ્સમાં ૩૦ સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે સુવર્ણ ચંદ્રકોની વર્ષા સમાન સાબિત થઈ રહ્યો છે. તીરંદાજીમાં બે સુવર્ણ ચંદ્રકો જીત્યા બાદ, હવે નીરુ ઢાંડા અને કાયનન ચેનાઈની જોડીએ ટ્રેપ મિક્સ્ડ ટીમ શૂટિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો છે. આ એશિયન ગેમ્સમાં નીરુનો આ બીજો સુવર્ણ અને કુલ ત્રીજો ચંદ્રક છે, જ્યારે એશિયન ગેમ્સમાં પુરુષોની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમે ફાઇનલમાં ચીની ટીમને હરાવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ જીત દ્વારા ભારતની સુવર્ણ ચંદ્રકોની સંખ્યામાં દસ થઇ છે. આ સાથે ભારતની કુલ ચંદ્રકોની સંખ્યા ૫૮ પર પહોંચી છે અને દેશ મેડલ ટેલીમાં આઠમા સ્થાને છે.
ટ્રેપ મિક્સ્ડ ટીમ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય જોડી ફાઈનલ માટે ચોથા ક્રમે ક્વોલિફાય થઈ હતી અને શરૂઆતમાં તેમનું પ્રદર્શન મજબૂત નહોતું. શરૂઆતના શોટ્સમાં તેઓ નિશાન સાધવામાં ચૂકી ગયા હતા. તેમ છતાં નીરુ અને કાયનને શાનદાર વાપસી કરી હતી. તેમણે ૪૦ શોટ્સમાંથી ૩૪ વખત સફળતાપૂર્વક નિશાન સાધીને સુવર્ણ ચંદ્રક જીત્યો અને સાથે જ નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો છે.
એશિયન ગેમ્સમાં ભારત માટે આજની સવાર ખરેખર ખાસ રહી. ભારતીય તીરંદાજોએ માત્ર થોડા કલાકોના ગાળામાં બે સુવર્ણ ચંદ્રક જીતીને અદભૂત સિદ્ધિ હાંસલ કરી. સૌપ્રથમ, મહિલા કમ્પાઉન્ડ ટીમે ચીનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો અને ત્યારબાદ, મિક્સ્ડ કમ્પાઉન્ડ ટીમે રોમાંચક શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. મેચ 157-157થી ટાઈ થયા બાદ, સાહિલ રાજેશ જાધવ અને ચિકિતા તનિપાર્થીની જોડીએ શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાને 20-19થી હરાવ્યું. આ જીત સાથે, બંને ખેલાડીઓએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે પણ ક્વોલિફાય કર્યું.
મહિલા કમ્પાઉન્ડ ટીમ દ્વારા સુવર્ણ ચંદ્રક જીતવા સાથે ભારત માટે દિવસની શરૂઆત શાનદાર રહી. જ્યોતિ સુરેખા, પૃથિકા પ્રદીપ અને ચિકિતા તનિપાર્થીની ભારતીય ત્રિપુટીએ ફાઇનલમાં વિશ્વ-વિક્રમી સ્કોર સાથે ચીનને હરાવ્યું. ભારતે 238 પોઈન્ટ્સ મેળવ્યા, જ્યારે ચીનનો સ્કોર 234 રહ્યો. થોડા કલાકો બાદ, ચિકિતા અન્ય એક સુવર્ણ ચંદ્રક માટેની મેચમાં મેદાનમાં ઉતરી. આ વખતે, તેની સાથે સાહિલ રાજેશ જાધવ હતા અને તેમનો મુકાબલો દક્ષિણ કોરિયાની મિક્સ્ડ ટીમ સામે હતો.
મહિલા હોકી ટીમની ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવવા પર નજર
અત્યાર સુધી, ભારતીય મહિલા અને પુરુષ બંને હોકી ટીમોએ પૂલ સ્ટેજમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય મહિલા ટીમ હવે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાનો સામનો કરશે. આ મેચ મહિલા હોકી ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તેઓ ફાઇનલમાં સ્થાન મેળવવા અને મેડલ મેળવવા માટે પ્રયત્નશીલ રહેશે. ભારત અને દક્ષિણ કોરિયાની મહિલા ટીમો વચ્ચે સેમિફાઇનલ 30 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યે રમાશે.