BREAKING NEWS

ફટાકડાના ઉત્પાદનમાં દેશ આગળ, પણ નિકાસમાં પાછળ! જાણો અબજો રૂપિયાના આ ઉદ્યોગની કહાની

  • November 08, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં દિવાળી આવતાની સાથે જ ફટાકડાની માંગ ખૂબ જ વધી જાય છે. દેશમાં ફટાકડાનો વેપાર આશરે 7,000 કરોડ રૂપિયાનો છે, પરંતુ હેરાન કરનારી વાત એ છે કે આટલો મોટો ઉદ્યોગ હોવા છતાં ભારત વૈશ્વિક બજારમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી શક્યું નથી. ભારતમાંથી દર વર્ષે ફટાકડાની નિકાસ 10 લાખ ડોલરથી પણ ઓછી છે. વૈશ્વિક ફટાકડા નિકાસ બજારમાં ભારતનો હિસ્સો માત્ર 0.042 ટકા જેટલો જ છે.


શિવકાશીમાં થાય છે સૌથી વધુ ઉત્પાદન

તમિલનાડુનું શિવકાશી શહેર ભારતમાં ફટાકડા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. દેશના કુલ ફટાકડા ઉત્પાદનમાં તેનો હિસ્સો આશરે 85 થી 90 ટકા જેટલો છે. તમિલનાડુ ફાયરવર્ક્સ એન્ડ અમોર્સેસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (TANFAMA) ના જણાવ્યા અનુસાર, દેશનું ફટાકડા બજાર આશરે 7,000 કરોડ રૂપિયાનું છે. જેમાં ફેક્ટરી સ્તરે ઉત્પાદનનો વેપાર આશરે 2,000 કરોડ રૂપિયાનો છે, જ્યારે બાકીની રકમ જથ્થાબંધ વેપાર, પરિવહન અને છૂટક વેચાણમાંથી આવે છે. આ ઉદ્યોગની કમાણીનો 80 ટકાથી વધુ હિસ્સો દિવાળી આસપાસના 30 દિવસોમાં જ આવે છે.


ચીનની સરખામણીએ ભારત ઘણું પાછળ

વૈશ્વિક ફટાકડાના વેપારમાં ચીનનો સંપૂર્ણ દબદબો છે. યુએન કોમટ્રેડ (UN Comtrade) ના આંકડા અનુસાર, ચીન દર વર્ષે આશરે 1.1 અબજ થી 1.23 અબજ ડોલરના ફટાકડાની નિકાસ કરે છે. જેની સરખામણીએ ભારતની નિકાસ માત્ર 7.57 લાખ ડોલર આસપાસ છે. ઓછી પડતર કિંમત, કાચા માલની સરળ ઉપલબ્ધતા, સરકારી સહયોગ અને મજબૂત સપ્લાય નેટવર્કના કારણે ચીન વૈશ્વિક સ્પર્ધામાં ઘણું આગળ છે.


નિકાસમાં શા માટે આવી રહી છે મુશ્કેલીઓ?

ભારતીય ફટાકડા ઉત્પાદકો સામે અનેક મોટો પડકારો છે. ફટાકડાને ખતરનાક વિસ્ફોટક સામાનની શ્રેણીમાં રાખવામાં આવે છે. જેના કારણે તેના પરિવહન, પેકેજિંગ, વીમા અને બંદરો પર હેન્ડલિંગનો ખર્ચ ઘણો વધી જાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોનું પાલન કરવું પણ નાના વેપારીઓ માટે મુશ્કેલ છે. આ સાથે જ ભારતમાં ફટાકડાના ઉત્પાદનમાં વપરાતા કેમિકલ્સ અને બેરિયમ નાઇટ્રેટ પર લાગેલા પ્રતિબંધોના કારણે પણ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના ફટાકડા તૈયાર કરવામાં મુશ્કેલી પડી રહી છે.


​​​​​​​નિકાસ વધારવા શું કરવું પડશે?

નિષ્ણાતોના મતે, ભારતે ફટાકડા ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજી, ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સર્ટિફિકેશન પર ધ્યાન આપવું પડશે. શિવકાશીમાં ટેસ્ટિંગ સેન્ટર, શ્રેષ્ઠ પેકેજિંગ સુવિધાઓ અને સરળ મંજૂરીઓ વિકસાવવાની જરૂર છે. જો ભારત આ પડકારોને દૂર કરવામાં સફળ રહે છે, તો શિવકાશી વૈશ્વિક બજારમાં ચીનને કડક ટક્કર આપી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application