મહિલા ક્રિકેટ ટીમે 2026ની એશિયન ગેમ્સમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. હરમનપ્રીત કૌર અને તેની ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 147 રનના ભારે અંતરથી હરાવ્યું. શેફાલી વર્મા (48), સ્મૃતિ મંધાના (79) અને રિચા ઘોષ (49)ની શાનદાર ઇનિંગ્સના જોરે ભારતે 216 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો.
217 રનનો મુશ્કેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથ્થુ અને ઇમેશા દુલાનીએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી, પરંતુ તેઓ પ્રથમ વિકેટ માટે માત્ર 18 રન જ મેળવી શક્યા હતા. બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ, શેફાલી વર્માએ બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો અને પાવરપ્લે દરમિયાન બે વિકેટ ઝડપી. તેણે દુલાની (3) અને હસિની પરેરા (0)ને આઉટ કર્યા.
પાવરપ્લે સમાપ્ત થયા પછીની તરતની ઓવરમાં, દીપ્તિ શર્માએ ચમારી અથાપથ્થુને કેચ આઉટ કરીને શ્રીલંકાની સૌથી મોટી વિકેટ ઝડપી. અથાપથ્થુએ 21 બોલમાં 21 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. ત્યારબાદની ઓવરમાં શ્રેયંકા પાટિલે હર્ષિતા માધવી (0)ને આઉટ કરી. હંસિમા કરુણારત્ને (1)ના આઉટ થવાથી શ્રીલંકાએ 49 રનના સ્કોર પર પોતાની પાંચમી વિકેટ ગુમાવી. 49 રનના એ જ સ્કોર પર તેમણે પોતાની છઠ્ઠી વિકેટ કવિશા દિલ્હારી (11)ની વિકેટ ગુમાવી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ટીમ ઈન્ડિયાને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડીને કારણે શાનદાર શરૂઆત મળી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 99 રન જોડ્યા; શેફાલી માત્ર બે રનથી પોતાની અડધી સદી ચૂકી ગઈ અને તેણે ત્રણ સિક્સર તથા ત્રણ ચોગ્ગાની મદદથી 29 બોલમાં 48 રન બનાવ્યા.
સ્મૃતિ મંધાનાએ પોતાની અડધી સદી પૂરી કરી અને સદી તરફ આગળ વધી રહી હતી, પરંતુ સુગંધિકાએ 79 રનના સ્કોર પર તેની ઇનિંગ્સનો અંત આણ્યો. 45 બોલમાં 79 રનની પોતાની ઇનિંગ્સમાં મંધાનાએ 7 સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ્સ દરમિયાન તેણે 11,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા અને આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની. કેપ્ટન હરમનપ્રીત કૌરે ૧૭ બોલમાં ૧૯ રન બનાવ્યા.
જ્યારે સ્મૃતિ મંધાના આઉટ થઈ, ત્યારે ભારતનો સ્કોર ૧૬.૫ ઓવરમાં ૧૬૩ રન હતો. ભારત ૨૦૦ રન સુધી પહોંચી શકશે તેવી શક્યતા ઓછી જણાતી હતી, પરંતુ રિચા ઘોષની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ટીમે ૨૧૬ રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો. માત્ર છેલ્લી ઓવરમાં જ ૨૫ રન બન્યા, જેમાં રિચાએ બે સિક્સર ફટકારી હતી. રિચા ૨૨ બોલમાં ૩ સિક્સર અને ૬ ચોગ્ગાની મદદથી ૪૯ રન બનાવીને અણનમ રહી.
45 બોલમાં સાત છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે સ્મૃતિ મંધાનાની શાનદાર બેટિંગ
ભારતીય ઇનિંગ્સ દરમિયાન સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 45 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 79 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે માત્ર 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. ઓપનર શેફાલી વર્માએ પણ 29 બોલમાં 48 રનની ફાસ્ટ ઇનિંગ રમી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાઈ હતી, જેના કારણે ટીમ મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.