દેશની સામાન્ય જનતા પર ફરી એકવાર મોંઘવારીનું સંકટ તોળાઈ રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ અને વરિષ્ઠ બેન્ક અધિકારીઓ વચ્ચે કરવામાં આવેલા તાજેતરના એક સર્વે અનુસાર, એવી પ્રબળ સંભાવના છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) તેની આગામી ઓક્ટોબર મહિનાની નીતિગત સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકા (25 બેસિસ પોઈન્ટ) નો વધારો કરી શકે છે. આ પગલાથી સામાન્ય નાગરિકોની લોનના EMI પર સીધી અસર પડશે.
પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ગંભીર સંકટના પુનઃ ઉદ્ભવ અને તેના કારણે વૈશ્વિક સ્તરે ઊભા થયેલા મોંઘવારીના ભારે દબાણને ધ્યાનમાં રાખીને આ ફેરફાર થઈ શકે છે. 16 અર્થશાસ્ત્રીઓ અને વરિષ્ઠ બેન્ક અધિકારીઓના સર્વે મુજબ, જો કેન્દ્રીય બેંક આગામી નીતિગત સમીક્ષામાં વ્યાજ દરોમાં વધારો કરે છે, તો તે વ્યાજ દર નીતિમાં એક મોટા વળાંક અને પરિવર્તનને દર્શાવશે. નોંધનીય છે કે વર્ષ 2025 દરમિયાન દરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ત્યારબાદ લાંબા સમય સુધી વ્યાજદરોમાં સ્થિરતા જળવાઈ રહી હતી. રેપો રેટમાં છેલ્લો વધારો ફેબ્રુઆરી 2023માં કરવામાં આવ્યો હતો, જ્યારે RBIએ દર 0.25 ટકા વધારીને 6.50 ટકા કર્યો હતો. આ પછી 2023-24 દરમિયાન દરો યથાવત રાખવામાં આવ્યા હતા અને હાલમાં RBIનો નીતિગત રેપો રેટ 5.25 ટકા પર સ્થિર છે.
વિવિધ નાણાકીય સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા દરોમાં થઈ રહેલા વધારા સાથે તાલમેલ બેસાડવા, વધતી મોંઘવારીના જોખમોને નાથવા અને મજબૂત આર્થિક વિકાસની ગફલત ટાળવા માટે આ પગલું અનિવાર્ય બની ગયું છે. ક્રિસિલની મુખ્ય અર્થશાસ્ત્રી દીપ્તિ દેશપાંડેના જણાવ્યા અનુસાર, ઊર્જા અને જિન્સની કિંમતોમાં અચાનક આવેલી તેજીના કારણે મોંઘવારીનું દબાણ ઘણું વધી ગયું છે. આ ઉપરાંત, કોર મોંઘવારીમાં વધારો થવાને કારણે કેન્દ્રીય બેંકને પોતાના નાણાકીય નીતિના વલણને ધીમે-ધીમે સામાન્ય બનાવવા માટે આ પગલાં લેવા પડી શકે છે.
આર્થિક વૃદ્ધિ અને જીડીપી (GDP) અંગે વાત કરીએ તો, નિષ્ણાતોને આશા છે કે RBI નાણાકીય વર્ષ 2026-27 માટેના પોતાના વાસ્તવિક જીડીપી વૃદ્ધિના અનુમાનમાં સકારાત્મક સુધારો કરી શકે છે. અગાઉ કેન્દ્રીય બેંકે તેની ઓગસ્ટની મોનેટરી પોલિસીમાં નાણાકીય વર્ષ 2026-27 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, જેમાં હવે કેટલાક વધારાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આગામી બુધવારે યોજાનારી નીતિગત સમીક્ષાના અંતે સ્પષ્ટ થશે કે સામાન્ય જનતાને મોંઘવારી સામે રાહત મળે છે કે વ્યાજદર વધારાનો નવો ઝટકો સહન કરવો પડે છે.