BREAKING NEWS

રાજકોટ યાર્ડમાં બઘડાટી...ઇન્સ્પેક્ટરોએ મજૂરોને ફડાકા ઝીંક્યા, રૂમમાં ગોંધી રાખી પટ્ટા વડે બેફામ લમધાર્યા, બેને હોસ્પિટલ ખસેડાયા

  • October 15, 2025 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના મોરબી રોડ બેડી યાર્ડમાં મજૂરો અને ઇન્સ્પેક્ટરો વચ્ચે બબાલ થયાની ઘટના સામે આવી હતી. જેમાં મગફળી ફાડાની ગાડી ઉતારવા મામલે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાદમાં ઇન્સ્પેક્ટરોએ બે મજૂરોને જાહેરમાં લાફા ઝીંક્યા પછી યાર્ડની એક ઓફિસમાં લઇ જઈ પટ્ટા વડે બેફામ માર મારતા બે મજૂરને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડતા મજૂરોએ તોલાઈ પ્રક્રિયાથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો.​​​​​​​


સામસામે હાથાપાઈ થઈ 

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે આઠેક વાગ્યાની આસપાસ થાવરીયા એન્ટરપ્રાઇઝ નામની પેઢીની મગફળી ફાડાનો ટ્રક યાર્ડ ખાતે પહોંચ્યો હતો. જે ટ્રકમાં રહેલો માલ ઉતારવા મજૂરો ગયા હતા. જ્યાં યાર્ડના ઇન્સ્પેક્ટર શિવરાજસિંહ અને કેતન પટેલ દોડી ગયા હતા અને કોઈક કારણોસર ગાડી નહિ ઉતારવા જણાવ્યું હતું. જે બાદ મજૂરો અને યાર્ડના બંને ઇન્સ્પેક્ટરો વચ્ચે જીભાજોડી, બોલાચાલી થઈ હતી. અહીં બોલાચાલી ઉગ્ર બનતા સામસામે હાથાપાઈ થઈ ગયાનું યાર્ડના સૂત્રો જણાવી રહ્યા છે. દરમિયાન બંને ઇન્સ્પેક્ટરોએ બે મજૂરોને ફડાકા ઝીંકી દીધાનો આક્ષેપ મજૂરો દ્વારા કરવામાં આવ્યો હતો.


અડધીથી પોણી કલાક સુધી મજૂરોને ગોંધી રાખી બેફામ માર માર્યો

બાદમાં બંને મજૂરોને યાર્ડના સતાધીશોની બિલ્ડીંગમાં આવેલ એક રૂમમાં લઇ જવાયા હતા. જ્યાં આશરે અડધીથી પોણી કલાક સુધી મજૂરોને ગોંધી રાખી પટ્ટા વડે બેફામ માર મારવામાં આવ્યો હતો તેવો મજૂરો દ્વારા સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બાદમાં અન્ય મજૂરો દોડી ગયા હતા અને બંને શ્રમિકોને અહીંથી છોડાવ્યા હતા. ત્યારબાદ એક શ્રમિકના કપડાં ફાટેલા અને શરીરે ચાંભા સ્વરૂપે મારના નિશાન જોવા મળ્યા હતા. જે બાદ યાર્ડમાં મજૂરો એકત્રિત થઈ ગયા હતા અને તોલાઈ પ્રક્રિયાથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો. જો કે, હરાજી પ્રક્રિયા ચાલુ જ રાખવામાં આવી હતી.


યાર્ડમાં અજંપાભરી શાંતિ હોવાનું જાણવા મળી રહ્યું છે

ઈજાગ્રસ્ત શ્રમિકને શરીરે દુખાવો થતો હોય 108 એમ્બયુલન્સ મારફતે તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ બનાવને પગલે 112 જનરક્ષક પીસીઆર પણ દોડી આવી હતી. હાલ યાર્ડમાં અજંપાભરી શાંતિ હોવાનું જાણવા મળી રહ્યું છે.


યાર્ડમાં કશું જ અજુગતું નહિ બન્યાનું ચેરમેનનું રટણ

યાડની ઘટનામાં એપીએમસીના ચેરમેન જયેશ બોઘરા તેમજ ડાયરેક્ટરો દોડી ગયા હતા અને બેઠકોનો ધમધમાટ શરૂ કરી મામલો થાળે પાડવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે, મજુરને બેફામ માર મરાયાની ઘટના જગજાહેર થઈ ગઈ હોવા છતાં કશું જ અજુગતું નહિ બન્યાનું અને ઘરની ઘટના ઘરમેળે જ પતિ જશે તેવું ચેરમેને રટણ કર્યું હતું.


ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરો અથવા માર મારવા દો: મજૂરોની માંગ

બેડીયાર્ડમાં 500 થી વધુ મજૂરો એકત્રિત થઈ ગયા હતા અને તોલાઈ પ્રક્રિયાથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો. બનાવને પગલે મજૂરોએ બંને ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી. જો બંનેને સસ્પેન્ડ ન કરો તો જેવી રીતે મજુરને માર મારવામાં આવ્યો હતો તેવી જ રીતે અમને પણ ઇન્સ્પેક્ટરોને માર મારવા દો તેવી માંગ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application