BREAKING NEWS

ઘરની છત પર સોલર લગાવવું હવે મોંઘું પડી શકે, નેટ મીટરિંગ પર પણ વધારાનો ચાર્જ વસૂલાશે

  • November 25, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરની છત પર સોલર પેનલ લગાવીને વીજળીનું બિલ ઘટાડવા માગતા ગ્રાહકો માટે કેન્દ્ર સરકાર નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. સરકારના પ્રસ્તાવ પ્રમાણે નિર્ધારિત ક્ષમતા કરતાં મોટી સોલર સિસ્ટમ લગાવનારા ગ્રાહકોએ વીજળીનો સંગ્રહ કરવા માટે બેટરી પણ લગાવવી પડી શકે છે. આ ઉપરાંત વીજળીની ગ્રીડમાં વધારાની વીજળી મોકલનારા ગ્રાહકો પાસેથી નેટ મીટરિંગ માટે વધારાનો ચાર્જ વસૂલવાની જોગવાઈ પણ સૂચવવામાં આવી છે. જોકે, આ નિયમો હજુ અમલમાં આવ્યા નથી.


કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજળી ગ્રાહકોના અધિકારો સંબંધિત ૨૦૨૦ના નિયમોમાં ફેરફાર કરવા માટેનો મુસદ્દો જાહેર કર્યો છે. તેમાં સોલર સિસ્ટમની ક્ષમતા પ્રમાણે બેટરી સ્ટોરેજ ફરજિયાત બનાવવાની જોગવાઈ છે. કેટલી ક્ષમતાથી મોટી સિસ્ટમ માટે બેટરી જરૂરી ગણાશે તે રાજ્યના વીજ નિયમન પંચ નક્કી કરશે. જો કોઈ રાજ્ય અલગ મર્યાદા નક્કી નહીં કરે તો દસ કિલોવોટથી વધુ ક્ષમતાની સોલર સિસ્ટમ માટે આ નિયમ લાગુ પડી શકે છે.


પ્રસ્તાવ પ્રમાણે બેટરીમાં સોલર સિસ્ટમ દ્વારા એક દિવસમાં ઉત્પન્ન થતી વીજળીના ઓછામાં ઓછા વીસ ટકા જેટલી વીજળીનો સંગ્રહ કરવાની ક્ષમતા હોવી જોઈએ. આ જોગવાઈ પહેલી એપ્રિલ, ૨૦૨૮થી લાગુ કરવાની દરખાસ્ત છે. તેનો હેતુ દિવસ દરમિયાન ઉત્પન્ન થતી વધારાની વીજળી સંગ્રહ કરીને સાંજે અને રાત્રે ઉપયોગમાં લઈ શકાય તેવો છે.


નેટ મીટરિંગની હાલની વ્યવસ્થામાં ગ્રાહક દિવસ દરમિયાન પોતાની જરૂરિયાત કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરે તો તે ગ્રીડમાં મોકલી શકે છે. રાત્રે કે અન્ય સમયે ગ્રીડમાંથી વીજળી મેળવી શકે છે. બંનેનો હિસાબ કરીને વીજળીનું બિલ તૈયાર થાય છે. સરકારના મતે આ વ્યવસ્થામાં વીજ વિતરણ કંપનીઓને ગ્રીડની જાળવણી અને અન્ય ખર્ચ સહન કરવા પડે છે. તેથી નિર્ધારિત મર્યાદા કરતાં મોટી સિસ્ટમ ધરાવતા ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવાનો પ્રસ્તાવ છે.


નાના ઘરેલુ ગ્રાહકોને આ ચાર્જમાંથી મુક્તિ મળી શકે છે, જ્યારે મોટા મકાનો, વેપારી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો માટે સોલર સિસ્ટમનો ખર્ચ વધી શકે છે.


સરકારે વીજળીના અસામાન્ય બિલ અંગે પણ નવી જોગવાઈ સૂચવી છે. કોઈ મહિનાનું બિલ અગાઉનાં છ બિલની સરેરાશ કરતાં પાંચ ગણું વધુ અથવા તેના પાંચમા ભાગ કરતાં ઓછું આવે તો વીજ કંપનીએ પોતાની રીતે તપાસ કરીને ત્રીસ દિવસમાં ખામી દૂર કરવી પડશે.


વીજળીનું બિલ ખોટું આવે તો ગ્રાહકને રાહત

નવા પ્રસ્તાવમાં ગ્રાહકોને ખોટાં વીજળી બિલ સામે મહત્વનું રક્ષણ આપવાની જોગવાઈ છે. કોઈ ગ્રાહકનું બિલ અગાઉનાં છ મહિનાની સરેરાશ કરતાં પાંચ ગણું વધી જાય અથવા અસામાન્ય રીતે ઘટી જાય તો વીજ વિતરણ કંપનીએ ગ્રાહકની ફરિયાદની રાહ જોયા વગર તપાસ કરવી પડશે. તપાસ અને જરૂરી સુધારો ત્રીસ દિવસમાં કરવાનો રહેશે. આ દરમિયાન ગ્રાહક અગાઉનાં છ બિલની સરેરાશ મુજબ રકમ ચૂકવતો રહે તો તેનું વીજ જોડાણ કાપી શકાશે નહીં. આ જોગવાઈ અમલમાં આવશે તો ખોટાં બિલને કારણે પરેશાન થતા ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે. જોકે, હાલ આ માત્ર પ્રસ્તાવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application