BREAKING NEWS

જૂનાગઢમાં દુષ્કર્મની ફરિયાદની તપાસમાં યુવતીનું ધર્મ પરિવર્તન કરાવ્યાનો ઘટસ્ફોટ

  • November 07, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં યુવતી પર દુષ્કર્મ આચરવા અને ધમકી આપવાના નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન યુવતીનું ધર્મ પરિવર્તન કરાવાયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ પ્રકરણમાં દરગાહના મુંજાવર જાવેદ કરીમ શેખ અને તેના પુત્ર વાહીદ જાવેદ શેખની સંડોવણી સામે આવતાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.



પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં એકલી રહેતી યુવતી અવારનવાર બીમાર પડતી હોવાથી સંધાડીયા બજારમાં આવેલી મોનીશા પીરની દરગાહે જતી હતી. ત્યાં દરગાહના મુંજાવરના પુત્ર વાહીદ જાવેદ શેખે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની વાત કરી હતી. યુવતીએ ઇનકાર કરતાં તેની સાથે મારામારી કરી છરી વડે હુમલો કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, દુષ્કર્મના ફોટા અને વીડિયો ઉતારી સગા-સંબંધીઓને મોકલી દેવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.



યુવતીએ આ અંગે વાહીદના પિતા અને દરગાહના મુંજાવર જાવેદ કરીમ શેખને જાણ કરતાં તેણે પણ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પીઆઈ એ.બી. ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યુવતીના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે ધર્મ પરિવર્તન કરાવાયું હોવાની બાબત સામે આવી હતી.



ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર, યુવતીને ઉનાવા, જાંબુર, ઉના અને અજમેરની દરગાહોમાં લઈ જઈ સલામી કરાવ્યાના ફોટા તથા વીડિયો પોલીસને મળ્યા છે. યુવતીના ઘરેથી બુરખો, દરગાહના ફોટા, કલમાની બુક, નમાજ પઢવાનું આસન અને અન્ય ધાર્મિક સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.


પોલીસે જાવેદ કરીમ શેખ અને તેના પુત્ર વાહીદ સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમો ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો, જેને કોર્ટે મંજૂરી આપી છે. આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી સુબોધ ઓડેદરાના આદેશથી રચાયેલી એસઆઈટીમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને મુખ્ય તપાસનીશ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત એ ડિવિઝન પીઆઈ એ.બી. ચૌધરી, પીએસઆઈ સોલંકી અને મહિલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ માઢકનો સમાવેશ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application