BREAKING NEWS

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1021 પોઇન્ટ તૂટ્યો; રોકાણકારોના રૂ.4 લાખ કરોડ ધોવાયા, જાણો બજાર તુટવા પાછળના કારણો

  • October 19, 2026 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલ્યા બાદ વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સમાં આશરે ૧૦૨૧ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો જે 73,708ના સ્તરે ટ્રેડ થયો હતો , જ્યારે નિફ્ટી પણ 283 પોઇન્ટ તૂટ્યો હતો જે 22,845ના સ્તરે ટ્રેડ થયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ.4 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

બીએસઈના ટોપ-30 શેરોમાંથી માત્ર ચાર શેરમાં સામાન્ય તેજી જોવા મળી હતી, જ્યારે બાકીના 26 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. એચડીએફસી બેન્કના શેરમાં આશરે 3 ટકા અને એક્સિસ બેન્કના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસના શેરમાં પણ આશરે 3 ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત ટ્રેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર અને બજાજ ફાઇનાન્સ જેવા શેરોમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં ભારે વેચવાલીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ.472 લાખ કરોડથી ઘટીને રૂ.468 લાખ કરોડ થયું હતું. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ.4 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.

એચડીએફસી બેન્કના નાણાકીય પરિણામો અને બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં વધેલા વેચવાલીના દબાણને કારણે બજાર પર અસર પડી હતી. એક્સિસ બેન્કના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. કોટક મહિન્દ્રા બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. બેન્કિંગ શેરોમાં ઘટાડાને કારણે નિફ્ટી પર દબાણ વધ્યું હતું.

એશિયાઈ બજારોમાં નબળા સંકેતો અને અમેરિકન શેરબજારમાં અગાઉ નોંધાયેલી વેચવાલીએ ભારતીય બજારના સેન્ટિમેન્ટને અસર કરી હતી. અમેરિકામાં એઆઈ સંબંધિત આઇટી શેરોમાં ફરી વેચવાલી શરૂ થતાં રોકાણકારોની ચિંતા વધી હતી. જાપાનના નિક્કેઈ 225ના વાયદામાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હોંગકોંગના હેંગસેંગ અને શાંઘાઈ કમ્પોઝિટમાં પણ નબળાઈ જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે રહેવાને કારણે ભારતીય શેરબજાર પર દબાણ વધ્યું હતું. સોમવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 1.5 ટકા ઘટીને 108.27 ડોલર પ્રતિ બેરલ થયો હતો, જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ 0.6 ટકા ઘટીને 100.83 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. જોકે, ભાવમાં ઘટાડા છતાં ક્રૂડ ઓઇલ મોંઘું રહેતાં મોંઘવારી અને કંપનીઓના ખર્ચ અંગે ચિંતા યથાવત્ રહી હતી.

રોકાણકારોમાં વધતી અનિશ્ચિતતાનો સંકેત આપતો ઇન્ડિયા વીઆઈએક્સ લગભગ 4 ટકા વધીને 14.52ના સ્તરે પહોંચ્યો હતો. વીઆઈએક્સમાં વધારો સામાન્ય રીતે બજારમાં વધતી અસ્થિરતા અને રોકાણકારોની ચિંતાનો સંકેત આપે છે.

આમ, બેન્કિંગ શેરોમાં વેચવાલી, વૈશ્વિક બજારોની નબળાઈ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વધતી અનિશ્ચિતતાને કારણે સોમવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application