BREAKING NEWS

શું અમેરિકા ઈરાન સાથેના યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? 48 કલાકમાં 3 જંગી જહાજો હટાવ્યા

  • March 19, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ લાંબો ખેંચાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 48 કલાકમાં અમેરિકાએ મધ્ય પૂર્વના સમુદ્રી વિસ્તારમાંથી પોતાના 3 મહત્વના જંગી જહાજોને દૂર કર્યા છે. આ જહાજોમાં દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર 'યુએસએસ જેરાલ્ડ ફોર્ડ' અને બે માઈન્સ સ્વીપર (બારૂદી સુરંગ હટાવતા જહાજો) નો સમાવેશ થાય છે.


જેરાલ્ડ ફોર્ડને કેમ હટાવવું પડ્યું?
સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, જાન્યુઆરી 2026 થી ઈરાનની ઘેરાબંધી માટે ઓમાનની ખાડીમાં તૈનાત જેરાલ્ડ ફોર્ડને હવે ગ્રીસના ક્રેતે (Crete) સ્થિત અમેરિકી નૌકાદળના અડ્ડા તરફ લઈ જવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગયા અઠવાડિયે આ યુદ્ધ જહાજમાં આગ લાગી હતી, જેના કારણે તેને મોટું નુકસાન થયું છે. આ નુકસાનને ઠીક કરવા માટે તેને યુદ્ધના મેદાનથી દૂર લઈ જવામાં આવ્યું છે. અમેરિકાએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે જેરાલ્ડ ફોર્ડની જગ્યાએ કયા બીજા યુદ્ધ જહાજને તૈનાત કરવામાં આવશે.


મલેશિયા તરફ રવાના થયા અન્ય બે જહાજો

ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ પાણીની અંદર બિછાવેલી બારૂદી સુરંગો (Mines) ને હટાવનારા બે અમેરિકી જહાજો 'યુએસએસ તુલસા' અને 'યુએસએસ સાન્ટા' ને પણ મધ્ય પૂર્વમાંથી હટાવીને મલેશિયા તરફ મોકલી દેવાયા છે. સેટેલાઇટ તસવીરોમાં આ જહાજો અત્યારે હોર્મુઝની ખાડીથી આશરે 3500 કિમી દૂર હોવાનું દેખાય છે. અત્યારે મધ્ય પૂર્વમાં આ કેટેગરીનું માત્ર એક જ જહાજ બાકી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.


અમેરિકા જંગમાં ફસાયું
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન માને છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન જંગમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. બોલ્ટન મુજબ અમેરિકા આ જંગ ઝડપથી ખતમ કરવા માંગતું હતું, પરંતુ ઈરાને તેને લાંબા ગાળાના સંઘર્ષમાં ઉલઝાવી દીધું છે. જો ટ્રમ્પ પ્રશાસન કોઈ નક્કર સમજૂતી વગર યુદ્ધ રોકે છે, તો વિશ્વમાં અમેરિકાની નબળાઈ સાબિત થશે. બીજી તરફ સત્તા પરિવર્તન માટે જમીની સેના મોકલવી અમેરિકા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.


ઓમાનના વિદેશ મંત્રી અલબુસૈદીએ અમેરિકાને તાત્કાલિક યુદ્ધ રોકવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આ જંગમાં કોઈ પણ પક્ષની જીત થવાની નથી, ઉલટું આખું વિશ્વ આર્થિક રીતે પાયમાલ થઈ શકે છે. ઓમાન લાંબા સમયથી બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application