BREAKING NEWS

AI પાસેથી સ્વાસ્થ્ય સલાહ લેવી ખતરનાક, 50 ટકા માહિત ખોટી આપીઃ અભ્યાસમાં દાવો

  • April 16, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજના ડિજિટલ યુગમાં લોકો નાની-મોટી બીમારીઓ માટે ગૂગલ કે એઆઇ ચેટબોટ્સનો સહારો લેતા થયા છે, પરંતુ એક નવા અભ્યાસે આ બાબતે ગંભીર લાલબત્તી ધરી છે. સંશોધન મુજબ, જેમિની, ચેટજીપીટી, મેટા એઆઇ અને ગ્રોક જેવા લોકપ્રિય ચેટબોટ્સ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના જવાબ આપવામાં વારંવાર થાપ ખાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કરેલા પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે લગભગ 50 ટકા કિસ્સાઓમાં આ ચેટબોટ્સે અધૂરી અથવા તદ્દન ખોટી માહિતી આપી હતી. 


ખાસ કરીને ઈલોન મસ્કના 'ગ્રોક' ચેટબોટે અપેક્ષા કરતાં વધુ ભૂલો કરી હતી. સંશોધકોએ આ જવાબોનું વિશ્લેષણ કરતા જણાવ્યું કે 49.6 ટકા જવાબો સમસ્યારૂપ હતા, જેમાં 30 ટકા જવાબો અંશતઃ ખોટા અને 19.6 ટકા જવાબો ગંભીર રીતે ભૂલભરેલા હતા, જે દર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે.


આ અભ્યાસમાં બીજી એક ચિંતાજનક બાબત એ સામે આવી છે કે આ ચેટબોટ્સ અત્યંત આત્મવિશ્વાસ સાથે જવાબો રજૂ કરે છે, જેના કારણે સામાન્ય યુઝર્સ સાચી અને ખોટી માહિતી વચ્ચેનો તફાવત પારખી શકતા નથી. મોટાભાગના ચેટબોટ્સમાં યોગ્ય તબીબી ચેતવણીઓ કે ડિસ્ક્લેમરનો પણ અભાવ જોવા મળ્યો હતો. 

વિષયવાર પ્રદર્શનની વાત કરીએ તો, કેન્સર અને રસી જેવા વિષયો પર ચેટબોટ્સની ચોકસાઈ પ્રમાણમાં સારી હતી, પરંતુ સ્ટેમ સેલ અને પોષણ જેવા વિષયોમાં તેઓ ગંભીર ભૂલો કરતા જોવા મળ્યા હતા. તબીબો અને વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યા છે કે એઆઇ દ્વારા આપવામાં આવતી માહિતી ક્યારેય વ્યાવસાયિક તબીબી સલાહનું સ્થાન ન લઈ શકે. આથી, સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ગંભીર નિર્ણય લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ હિતાવહ છે, કારણ કે આ ચેટબોટ્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા સંદર્ભોની ગુણવત્તા પણ ઘણી નબળી હોવાનું સાબિત થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application