મેરેજ સિઝન વચ્ચે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખામાંથી મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરતા નવદંપતીઓને ફરજિયાત રૂબરૂ હાજર થવા આદેશ જારી કરવામાં આવ્યો છે, અગાઉ શંકાસ્પદ જણાય તેવા કિસ્સાઓમાં જ રૂબરૂ બોલાવવામાં આવતા હતાં પરંતુ હવે દરેક અરજીમાં નવદંપતિને રૂબરૂ જ હાજર થવાનો આદેશ કરવામાં આવતા કચેરી ખુલતાની સાથે જ આરોગ્ય શાખામાં નવદંપતિઓની લાંબી લાઇન જોવા મળી રહી છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે જો અરજી સાથેના ડોક્યુમેન્ટ્સ સહિતનું બધું જ યથાયોગ્ય હોય અને કંઇ શંકાસ્પદ જણાતું ન હોય તેવા કિસ્સામાં જો નવદંપતિમાંથી કોઇ એક વ્યાજબી કારણોસર હાજર રહી શકે તેમ ન હોય સક્ષમ અધિકારી સાથે વીડિયો કોલિંગથી વાત કરવામાં આવે છે ત્યારબાદ જ રજિસ્ટ્રેશન અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમુક શંકાસ્પદ કિસ્સાઓ સામે આવ્યા બાદ રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા સાવચેતીના ભાગરૂપે ઉપરોક્ત આદેશો જારી કરી તેની જન હિતમાં કડક અમલવારી શરૂ કરવામાં આવી છે.
રૂડા વિસ્તારમાં લગ્ન કરનારની માઠી
રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારની બહાર રૂડા એરિયામાં આવેલા પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ, મોટેલ્સ અને રીસોર્ટ્સમાં લગ્ન સમારોહ યોજાનારાઓને નિયમ મુજબ રાજકોટ મહપાલિકાની આરોગ્ય શાખામાંથી મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી શકે નહીં, તેમણે સર્વે નંબર અનુસાર લાગુ પડતી ગ્રામ પંચાયતમાં અરજી કરવાની રહે છે. આમ છતાં માહિતીના અભાવે આવી અનેક અરજીઓ મહાપાલિકામાં આવી રહી છે. આથી હવે સ્ટાફ દ્વારા અરજી ફોર્મ આપતા પહેલા જ લગ્ન ક્યા સ્થળે થયા હતા તેની પૂછપરછ કરવામાં આવે છે જેથી અરજદાર અને સ્ટાફ બંનેનો સમય બચી શકે.