BREAKING NEWS

ભારત માટે રાહતના સમાચાર ૮૦,૮૦૦ ટન ક્રૂડ ઓઇલ સાથે જગ લાડકી જહાજ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું

  • March 18, 2026 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં એલપીજી પુરવઠાની અછત વચ્ચે વધુ એક ભારતીય તેલ જહાજ, 'જગ લાડકી', આજે સંયુક્ત આરબ અમીરાતથી ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. જેમાં આશરે 80,800 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો જથ્થો છે. જહાજ રવિવારે સવારે ફુજૈરા બંદરથી રવાના થયું હતું. બંદરના તેલ ટર્મિનલ પર હુમલો થયો હતો. જે જહાજ રવાના થયાના એક દિવસ પહેલા જ આ ઘટના બની હતી, જેના કારણે થોડા સમય માટે કામગીરી ખોરવાઈ ગઈ હતી.


ભારતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૪ માર્ચ, ૨૦૨૬ના રોજ ભારતીય ધ્વજવાળું જહાજ 'જગ લાડકી' ફુજૈરાહમાં ક્રૂડ તેલ ભરી રહ્યું હતું ત્યારે તેના પર ફુજૈરાહ તેલ ટર્મિનલ પર હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં જહાજ રવિવારે ૧૦:૩૦ વાગ્યે ભારતીય સમય મુજબ ફુજૈરાહથી સુરક્ષિત રીતે રવાના થયું હતું. તે આશરે ૮૦,૮૦૦ ટન ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આગળ વધ્યું હતુ.

શિવાલિક અને નંદા દેવી પછી, આ ત્રીજું ભારતીય ધ્વજ સાથેનું જહાજ છે જે સંઘર્ષ ક્ષેત્રમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યું છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ તેલ જહાજો ભારતમાં પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવાની ખાતરી આપી છે, જ્યારે સાથે સાથે યુએઈ બંદર વિસ્તારોને નિશાન બનાવીને સંભવિત હુમલાઓની ચેતવણી આપી છે.


દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે ચાલુ સંઘર્ષ દરમિયાન, આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ યુએસ અને ઇઝરાયેલી જહાજો માટે બંધ રહેશે. અગાઉ, બે ભારતીય ધ્વજવાળા એલપીજી જહાજો શિવાલિક અને નંદા દેવીએ મળીને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા કુલ 92,712 મેટ્રિક ટન એલપીજી પરિવહન કર્યું હતું. તેમાંથી એક જહાજ સોમવારે મુન્દ્રા પહોંચ્યું હતું, જ્યારે બીજું એક દિવસ પછી એટલે કે ગઈકાલે ભારતમાં પહોંચ્યું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારતનું બીજું એલપીજી જહાજ 'નંદા દેવી', જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું હતું અને ગઈકાલે ગુજરાતના વાડીનાર બંદરે સુરક્ષિત રીતે પહોંચ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જહાજમાં 46,500 મેટ્રિક ટન ગેસ ભરેલો હતો. 


દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહે જણાવ્યું હતું કે નંદા દેવી વાડીનાર બંદર પર ડોક થઈ ગયું છે અને એલપીજીને નાના જહાજ (ડોટર શિપ)માં ટ્રાન્સફર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે કહ્યું, 46,500 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો લાવવામાં આવ્યો છે. આ કાર્ગો 'બીડબલ્યુ બિર્ચ' નામના જહાજમાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે પછીથી પૂર્વ કિનારા પર એન્નોર (તમિલનાડુ) અને હલ્દિયા (પશ્ચિમ બંગાળ) બંદરો પર જથ્થાનો એક ભાગ ઉતારશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ટ્રાન્સફર પ્રક્રિયા પ્રતિ કલાક 1,000 ટનની ઝડપે થાય છે. આથી, સમગ્ર કાર્યમાં બે દિવસ લાગવાની અપેક્ષા છે. વાડીનાર સ્થિત પોર્ટ ઓથોરિટીને બંદર મંત્રાલયના નિર્દેશ મુજબ આ તમામ કાર્યો અત્યંત કાર્યક્ષમતા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application