BREAKING NEWS

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ ફાઈનલ, કમલમમાં ફોર્મ ભર્યું, જાણો તેમના વિશે બધુ જ

  • October 03, 2025 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે કમલમ પહોંચી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. તેઓએ વિજય મુહૂર્તમાં ચૂંટણી અધિકારી ઉદય કાનગડને પોતાનું ઉમેદવારી ફોર્મ સોંપ્યું હતું. એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભર્યું હતું. આથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ ફાઈનલ થઈ ગયું છે. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના 14માં પ્રદેશ પ્રમુખ બનશે.


નિકોલ બેઠકના ધારાસભ્ય

જગદીશ વિશ્વકર્મા અમદાવાદની નિકોલ બેઠકના ધારાસભ્ય છે. હાલ રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી તરીકે પણ કાર્યરત છે. સંગઠન અને સરકાર એમ બંનેમાં બહોળો અનુભવ ધરાવતા જગદીશ વિશ્વકર્મા, ભાજપ માટે એક મહત્વપૂર્ણ અને પરિપક્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે, જેઓ પક્ષને સંગઠનાત્મક તેમજ વહીવટી સ્તરે મજબૂતી પૂરી પાડે છે.


આ વિભાગોમાં જવાબદારી નિભાવી

ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા પાસે સહકાર મીઠા ઉદ્યોગ, પ્રિન્ટ સ્ટેશનરી પ્રોટોકોલ, એમએસએમઈની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, ખાદી રૂરલ ઇન્ડસ્ટ્રીઝ અને સિવિલ એવીએશન સહિતના વિભાગોની જવાબદારી હતી.


કોણ છે જગદીશ વિશ્વકર્મા?

જગદીશ વિશ્વકર્મા (જેઓ પંચાલ અટકથી પણ ઓળખાય છે)ની ગણના દિગ્ગજ નેતા તરીકે થાય છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ થયો છે અને હાલ તેમની ઉંમર 52 વર્ષ છે. મૂળભૂત રીતે તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે. તેઓએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવે છે અને સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ સંગઠનમાં લાંબા સમય સુધી કાર્યરત રહ્યા છે અને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે, જે સંગઠન પરની તેમની પકડ દર્શાવે છે.


બૂથ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો

જગદીશ વિશ્વકર્માએ એક બૂથ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ધીમે ધીમે પક્ષમાં મહત્ત્વના હોદ્દાઓ પર પહોંચ્યા. ૧૯૯૮માં તેમણે ઠક્કરબાપાનગરમાં બૂથ પ્રભારી તરીકે પોતાની રાજકીય યાત્રા શરૂ કરી હતી. 


સંગઠન અને વિધાનસભામાં સતત સક્રિય ભૂમિકા

ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે સંગઠન અને વિધાનસભામાં સતત સક્રિય ભૂમિકા ભજવી છે. તેમની નિષ્ઠા અને કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને વર્ષ 2021માં પહેલીવાર રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેમણે વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ, ઓગસ્ટ 2022માં તેમને માર્ગ અને મકાન વિભાગની મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આ વિભાગો થકી તેમણે રાજ્યના વિકાસ કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.


2012માં ધારાસભ્ય તરીકેની કારકિર્દીની શરૂઆત

૨૦૧૨માં વિશ્વકર્મા પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિકોલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૩માં તેઓ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના ઉદ્યોગ સેલના સંયોજક તરીકે રહ્યા હતા. ત્યારબાદ, તેમણે કર્ણાવતી ભાજપ અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પણ સેવા આપી. 2017માં તેઓ ફરીથી નિકોલ બેઠક પરથી ચૂંટાયા. ૨૦૨૨માં તેઓ ત્રીજી વખત નિકોલ બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભાના સભ્ય બન્યા. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી અને પ્રોટોકોલ વિભાગોનો હવાલો સંભાળ્યો હતો. આમ, જગદીશ વિશ્વકર્માએ સંગઠનથી લઈને સરકાર સુધીના વિવિધ સ્તરે મહત્ત્વની ભૂમિકાઓ ભજવીને ગુજરાતના રાજકારણમાં પોતાની નોંધપાત્ર કારકિર્દી બનાવી છે.​​​​​​​


ગુજરાત સરકાર અને સંગઠનમાં અમદાવાદનો દબદબો

ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બન્ને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઇ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. અત્યાર સુધીમાં ભાજપે કોઇ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી. આથી આ કિસ્સો અપવાદરૂપ બને.


ઓબીસી ચહેરો સમીકરણમાં ફીટ

આ વર્ષના અંતમાં કે આવતા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂરી બન્યું છે.


અત્યારસુધીના ભાજપ પ્રદેશ પ્રમુખની યાદી

કેશુભાઇ પટેલ- 1980થી 1983
મકરંદ દેસાઇ- 1983થી 1985
ડો.એ કે પટેલ- 1985થી 1986
શંકરસિંહ વાઘેલા- 1986થી 1991
કાશીરામ રાણા- 1991થી 1996
વજુભાઈ વાળા- 1996થી 1998
રાજેન્દ્રસિંહ રાણા- 1998થી 2005
વજુભાઇ વાળા- 2005થી 2006
પરસોત્તમ રૂપાલા- 2006થી 2010
આર સી ફળદુ- 2010થી 2016
વિજય રૂપાણી- ફેબ્રુઆરી 2016થી ઓગષ્ટ 2016
જીતુ વાઘાણી- ઓગષ્ટ 2016થી જુલાઇ 2020
સી આર પાટીલ- જુલાઇ 2020થી સપ્ટેમ્બર 2025 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News