રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર જયદીપ ચાવડાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રદ્યુમન નગર પોલીસે ધરપકડ કરી છે. સિવિલ હોસ્પિટલના ડો.પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડાએ હુમલો કર્યો હતો. બાદમાં ત્રણ દિવસથી ફરાર હતો. ડોક્ટર વિરૂદ્ધ આરોપી જયદીપ ચાવડાની માતાએ પણ માર માર્યાની અરજી પોલીસને કરી છે.
ઘટનાની વિગત જોઈએ તો, તા.29ના રોજ ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યાને રાત્રીના ફરજ દરમિયાન પીએમએસએસવાય બ્લોકના ત્રીજા માળે જયદીપ ચાવડા નામના શખસે ટેબલ ઉપર પછાડી બેફામ માર મારવા આવ્યો હતો. આ બનાવમાં ખુદ ભોગ બનાર તબીબ ડો.પાર્થ પંડ્યાએ જયદીપ ચાવડા સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે જયદીપ ચાવડા સામે સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેના અયોધ્યાચોક સ્થિત મકાને દરોડો પાડ્યો હતો, પરંતુ જયદીપ હાજર મળી ન આવતા શોધખોળ શરૂ રાખી હતી.
આ ઘટનાને લઈને સિવિલના જુદા જુદા વિભાગના એચઓડી, એસો.પ્રોફેસરો, સિનિયર ડોક્ટર્સ, રેસિડેન્ટ ડોક્ટર્સ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ વિરોધ નોંધાવી આરોપી સામે કડક કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડવામાં આવે તેવી પોલીસ સમક્ષ માગ કરી સરકાર અને પોલીસ પ્રસાસન સામે તબીબોની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. બનાવમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનએ પણ મેડિકલ કોલેજના ડીન અને સુપ્રિટેન્ડેન્ટને આવેદન પાઠવી ઘટનાને વખોડી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
સિવિલમાં જુનિયર ડોક્ટરની સજ્જડ હડતાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગના તબીબ ઉપર દર્દીના પરિચિત શખસે વોર્ડમાં ઘુસી આડેધડ માર મારતા આ ગંભીર ઘટનાના ઘેર પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડ્યા છે. આ સાથે જ ગત સાંજથી જ જુનિયર ડોક્ટર્સ એશોસિએશનના નેજા હેઠળ તમામ જુનિયર રેસિડેન્ટ, ઇન્ટર્ન સજ્જડ હડતાલ પાડી માત્ર ઇમર્જન્સી અને આઇસીયુ સેવામાં ફરજ ચાલુ રાખી છે.