શેત્રુંજય પાલીતાણાની 99 યાત્રા એક અલગ જ અને અત્યંત કપરી એવી તપસ્યાભરેલી સાધના ગણાય છે. જૈન ધર્મના દરેક જૈન ભાઈ-બહેનોના હૃદયમાં આ યાત્રા કરવાની ભાવના અવશ્ય જ હોય છે, પરંતુ આ યાત્રા પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા 45 દિવસની કઠોર સાધના, 45 દિવસના એકાસણા તેમજ જૈન ધર્મની અનેકવિધ આરાધનાઓ કરવી પડે છે.
જૈનીલભાઈ દોશીએ આ અતિ કપરી એવી 99 યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી
આ યાત્રા દરમિયાન બાર ગાવ, છ ગાવ, ત્રણ ગાવ, દોઢ ગાવ જેવી વિવિધ યાત્રાઓ, તેમજ શેત્રુંજય ગીરી પૂજન જેવી અનેક વિધિઓ સાથે 99 યાત્રા પૂર્ણ કરવી એ અતિ કઠિન અને દુર્લભ સિદ્ધિ છે. રાજકોટના પ્રતિષ્ઠિત જૈન શ્રેષ્ઠિ સ્વર્ગીય જિતેન્દ્રભાઈ દોશીને સમગ્ર જૈન સમાજ જાણે છે. તેમના ઉત્તમ સંસ્કારોને આગળ વધારતા તેમના પૌત્ર અને રાજકોટની અનેક સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા જૈન શ્રેષ્ઠી કુશાંગભાઈ જિતેન્દ્રભાઈ દોશીના પુત્ર જૈનીલભાઈ દોશીએ આ અતિ કપરી એવી 99 યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં 99 યાત્રા ભાગ્યે જ થતી હોય છે
આ સમગ્ર તપસ્યા અને આરાધનામાં જૈનીલભાઈના માતૃશ્રી અલ્પાબેન, મોટા પપ્પા આશિષભાઈ, ભાભુ દર્શનાબેન, તેમજ ભાઈઓ યશ, દેવાંશ, પ્રીત, બ્રુવી અને પર્લ સતત સાથે રહ્યા અને પ્રેરણારૂપ બન્યા હતા. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 99 યાત્રા ભાગ્યે જ થતી હોય છે, તેવું દુર્લભ અને મહાન કાર્ય જૈનીલભાઈએ સિદ્ધ કરી બતાવ્યું છે. આ પાવન પ્રસંગે સમગ્ર જૈન સમાજ તરફથી જૈનીલભાઈ દોશી પર ભાવભરી અનુમોદના વરસાવવામાં આવી રહી છે અને તેમના તપ, સંયમ તથા સાધનાને નમન કરવામાં આવી રહ્યું છે.