જામનગરમાં ગેરકાયદેસર મકાનો ઉપર ફરીથી બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે ત્યારે ગોકુલનગરથી આશાપુરા સર્કલ સુધી ૧૦૦ ફુટનો ૩૦ મીટરનો રોડ કરવાનો હોય કોર્પોરેશને ૮૬ લોકોને નોટીસ પાઠવી હતી, જેમાં ૧૫ જેટલા લોકોએ આપ મેળે સ્વૈચ્છાએ પોતાના મકાન તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે. ટીપીડીપીના આસી.ઇજનેર ગોસાઇએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે નોટીસ આપી છે અને લોકોએ સ્વૈચ્છાએ બાંધકામ દુર કરી રહ્યા છે, રૂ.૧૫ કરોડની જમીન ઉપર ગેરકાયદે દબાણો દુર કરાશે, આગામી દિવસોમાં મહાપાલીકા દ્વારા આ તમામ દબાણો દુર કરી દેવામાં આવશે. આ અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી.
જામનગરમાં મ્યુ.કમિશ્નર તરીકે ડી.એન.મોદીએ ચાર્જ સંભાળ્યા બાદ અત્યારથી ૯૬૨ જેટલા ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવાઇ ગયું છે, લાંબા સમયથી બચુનગર, સ્મશાનથી ગાંધીનગર સુધીના રસ્તાઓ તેમજ કેટલાક ધાર્મિક સ્થાનો તોડવામાં આવતા ન હતાં, પરંતુ મ્યુ.કમિશ્નરે કોઇની દરકાર કર્યા વિના ખાસ કરીને ગાંધીનગરથી સ્મશાન સુધીના તમામ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો હતો, ત્યારબાદ એક ધાર્મિક સ્થાન જે આલીશાન હતું તે પણ તોડી પડાયું હતું, આગામી દિવસોમાં કેટલાક રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલવાની છે.
લગભગ ત્રણેક રસ્તા મોટા થઇ જશે જેમાં ગોકુલનગરથી જકાતનાકા-સાંઢીયા પુલનો રસ્તો પહોળો કરવા માટે ૮૬ જેટલા બાંધકામો તોડી પાડવામાં આવશે, જો કે આ અંગે રાજકીય ભલામણનો દૌર પણ શરૂ થઇ ગયો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ ૧૫ જેટલા લોકોએ તો પોતાની રીતે સ્વૈચ્છાએ બાંધકામો તોડી પાડવાની શરૂઆત કરી દીધી છે, કોર્પોરેશનના ટીપીડીપીના અધિકારીના જણાવ્યા મુજબ લોકો પોતાની રીતે બાંધકામ તોડે તે માટે અમે પુરતો સમય આપ્યો છે અને અઠવાડીયા બાદ જો આ બાંધકામો યથાવત રહેશે તો અમે તેના ઉપર બુલડોઝર ફેરવી દેશું, હવે આ મામલો પેચીદો બન્યો છે અને લાંબા સમય પહેલા લોકોની માંગણી હતી કે, આ રસ્તો પહોળો કરવો તે માંગણી પુરી થઇ છે, પરંતુ વર્ષોથી ટીપી રોડની કેટલીક દુકાનો કપાતમાં આવે છે તે માંડવી ટાવરથી ખંભાળીયા ગેઇટ સુધીનો રસ્તો પહોળો કરવાની કામગીરી શા માટે કરવામાં આવતી નથી ? તે પણ લોકો કહી રહ્યા છે અને બીજા રસ્તાની જેમ આ રસ્તા પરની ગેરકાયદેસર દુકાનો પણ તોડી પાડીને રસ્તો મોટો થાય તે માટે કોર્પોરેશને તમામ પ્રયત્નો કરવા જોઇએ તેમ લોકોનું કહેવું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ કાર્યવાહીથી કુલ રૂ. ૧૫ કરોડની કિંમતની પર હજાર ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવશે. શહેરના ટ્રાફિક અને વાહનવ્યવહારને સુગમ બનાવવાના હેતુથી આ માર્ગ પરના અડચણરૂપ બાંધકામોને દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને હેવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ જકાતનાકાથી સાંઢીયા પુલ સુધી વર્ષોથી સંકડાશ અને ગેરકાયદેસર બાંધકામોના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. નાગરિકોની સુવિધા અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રએ આ અડચણરૂપ દબાણો દૂર કરવા મક્કમ નિર્ણય લીધો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ ૭ રહેણાંક મકાનો અને ૭૯ જેટલી દુકાનો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોટા પાયે થઈ રહેલી આ કામગીરી માટે મનપાનો સ્ટાફ, પોલીસ કાફલો સવારથી જ તૈનાત રહે છે અને ડિમોલિશન માટેના સાધનો ઘટના સ્થળે ખડકાયેલા જોવા મળ્યા હતાં.
આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. બે દિવસના ટૂંકા ગાળામાં ૧૫ કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવવાનો લક્ષયાંક મહાનગરપાલિકાએ રાખ્યો છે. પર હજાર ચોરસ ફૂટથી વધુ જેટલો વિસ્તાર ખુલ્લો થવાથી આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોને સરળતા રહશે.