૧૦ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું
જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા.
તાલુકા સ્વાગતમાં અરજદારોના ૧૦ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. જે પ્રશ્નોમાં કોર્પોરેશન વિસ્તારના રાજમોતી ટાઉનશીપમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન, ગેર કાયદેસર બાંધકામ દુર કરાવવું, લાઈટબીલને લગત રજૂઆત, રસ્તાનું દબાણ દુર કરવા અંગે, ન્યુ જામનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ અંગે, વેચાણ નોંધ કરાવવા બાબતનો પ્રશ્ન, નિરાધાર વૃદ્ધ સહાય મળવા બાબત, ગંગા સ્વરૂપા આર્થિક સહાય મળવા બાબત વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.
અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટર કેતન ઠક્કરે જાગૃત નાગરિક પ્રત્યેની જવાબદારી નિભાવવા બદલ અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાકીય લાભો વિષે પણ જાણકારી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે બદલ અરજદારશ્રીઓએ કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહીત તાલુકા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.