શહેરમાં રહેતી યુવતીએ વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા બાદ હાલ તેણી ગર્ભવતી હોવાછતા પતિ મારકૂટ કરતો હોય તેમજ જેઠ ધરાર સંબંધ બાંધતો હોય આ અંગે તેણે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મોરબીની વતની અને દોઢ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર ૧૯ વર્ષીય યુવતી અગાઉ શોરૂમમાં ખાનગી નોકરી કરતી હતી. ત્યાં તેનો પરિચય યુવાન સાથે થયા બાદ પ્રેમલગ્ન કર્યા હતાં. હાલ તેને એક સંતાન છે અને તેણી હાલ ગર્ભવતી છે. લગ્નજીવન દરમિયાન પતિ ત્રાસ ગુજારી મારકૂટ કરતો હતો. એટલું જ નહીં જેઠ તેના પર ખરાબ નજર કરી તેના વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ભોગબનનાર ગર્ભવતી હોવાછતા જેઠ દુષ્કર્મ આચરતો હતો. અંતે તેણે આ બાબતે પતિને વાત કરતા તેણે ભાઇનો સાથ આપી પત્નીને કહ્યું હતું કે, આવું તો અમારામાં ચાલે કહી ત્રાસ આપતો હતો. જેથી કંટાળી જઇ આખરે પરિણીતાએ આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દુષ્કર્મના આ બનાવને લઇ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલા તથા ટીમે પરિણીતાના પતિ અને જેઠ બંને સામે દુષ્કર્મ,ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
તરૂણીનું અપહરણ કરી બનાસકાંઠાના શખસે દુષ્કર્મ આચર્યું
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીનું દશેક દિવસ પૂર્વે અપહરણ થયા અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. જે અંગે પીઆઇ અને.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી તથા ટીમે તપાસ હાથ ધરી તરૂણીને શોધી કાઢી તેને ભગાડી જનાર તોસીફ ઉર્ફે તોસીમશા ઇસ્માઇલશા બાવાશા(ઉ.વ. ૨૦ રહે. દુધની ડેરી પાસે મૂળ દિયોદર, બનાસકાંઠા) ને ઝડપી લીધો હતો. તરૂણીની પુછપરછ કરતા આરોપી તેને ભગાડી ગયા બાદ તેને દિયોદર લઇ જઇ અહીં તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. જેથી પોલીસે આરોપી સામે પોકસોની કલમનો ઉમેરો કરી તેની સામે જરૂરી કાર્યવાહી કરી હતી.